News of Sunday, 14th June 2026
ઇઝરાયેલ આર્મીનો બેરૂતમાં હિઝબુલ્લાહના મુખ્ય મથક પર ભયંકર હવાઈ હુમલો : નેતન્યાહુના આકરા વલણથી અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર ફરી જોખમ જુઓ વિડિયો
હિઝબુલ્લાહના ડ્રોન હુમલાના જવાબમાં ઇઝરાયેલે લીધું મોટું પગલું : સંરક્ષણ મંત્રી કાત્ઝ અને વડાપ્રધાને હુમલાની પુષ્ટિ કરી : યુદ્ધ લંબાવવાના આક્ષેપો વચ્ચે ટ્રમ્પના જન્મદિવસના દિવસે જ સ્થિતિ વણસી

ઇઝરાયેલ: મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં ઇઝરાયેલી આર્મી (IDF) દ્વારા લેબનોનની રાજધાની બેરૂત પર એક મોટો અને ભયંકર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અને ફૂટેજ અનુસાર, આ હુમલો હિઝબુલ્લાહ આતંકી સંગઠનના મુખ્ય મથક (હેડક્વાર્ટર)ને નિશાન બનાવીને કરવામાં આવેલો એક અત્યંત ચોક્કસ અને "પ્રિસિઝન સ્ટ્રાઈક" એટલે કે સચોટ હુમલો હતો. ઇઝરાયેલ આર્મીએ દાવો કર્યો છે કે, જે મુખ્ય મથક પર હુમલો કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ હિઝબુલ્લાહના આતંકવાદીઓ ઇઝરાયેલ રાજ્યના નાગરિકો અને દક્ષિણ લેબનોનમાં કાર્યરત ઇઝરાયેલી સૈન્ય દળો વિરુદ્ધ આતંકવાદી કાવતરાંને આગળ ધપાવવા માટે કરી રહ્યા હતા.
ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી કાત્ઝ અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ બંનેએ આ સપ્તાહના ભયંકર હવાઈ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે. ઇઝરાયેલી નેતૃત્વએ આકરા શબ્દોમાં જણાવ્યું છે કે, ઇઝરાયેલ પોતાના પ્રદેશ તરફ થતા કોઈપણ ફાયરિંગ કે હુમલાને ક્યારેય સહન કરશે નહીં. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે હિઝબુલ્લાહ દ્વારા ઉત્તરી ઇઝરાયેલના વિસ્તારમાં અગાઉ ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. જો કે, હિઝબુલ્લાહના આ ડ્રોન હુમલાના કારણે ઇઝરાયેલમાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ તેના જવાબમાં ઇઝરાયેલે બેરૂત પર આકરો પલટવાર કર્યો છે.
આ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ પાછળ મોટું રાજકીય ગણિત પણ કામ કરી રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે થઈ રહેલા શાંતિ કરારની શરતોને લઈને વડાપ્રધાન નેતન્યાહુ ભારે ટીકાઓનો સામનો કરી રહ્યા હતા અને તેમના પર બેરૂત પર હુમલો કરવા માટે સતત દબાણ વધી રહ્યું હતું. રાજકીય વિશ્લેષકોના મતે, નેતન્યાહુ સારી રીતે જાણે છે કે બેરૂત પર હુમલો કરવો એ ઈરાન માટે એક 'રેડ લાઇન' એટલે કે ખતરાની રેખા સમાન છે. આ હુમલાના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે આજે જ સાઈન થનારા શાંતિ કરારની તમામ આશાઓ પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે, જે અંતે નેતન્યાહુને ચૂંટણીના પોલ્સમાં થનારા નુકસાનથી બચાવશે અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધને ચાલુ રાખશે.
વિશ્વભરમાં આ ઘટનાની ચર્ચા વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે એવા પણ સમીકરણો મંડાઈ રહ્યા છે કે આ તણાવપૂર્ણ સ્થિતિ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મદિવસના અવસરે જ સામે આવી છે, જે વૈશ્વિક રાજનીતિમાં મોટો વળાંક લાવી શકે છે. હાલમાં બેરૂત પર થયેલા આ ભયંકર હુમલા બાદ સમગ્ર લેબનોન અને ઈરાન પ્રશાસનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ ભયાનક બને તેવી આશંકાઓ સેવાઈ રહી છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
