<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

અમેરિકાના ટેમ્પામાં સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે નરેન્દ્રભાઈ મોદીના ઐતિહાસિક શાસનકાળને બિરદાવવા ભવ્ય અભિનંદન સભા યોજાઈ : ભારતીય સમુદાયના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ

શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ફ્લોરિડામાં યોજાયેલો ગૌરવશાળી પ્રસંગ : ડૉ. કિરણ પટેલ, બાવા જૈન અને ચંદ્રકાંતભાઈ પટેલ સહિતના નેતાઓએ વડાપ્રધાનના વૈશ્વિક નેતૃત્વને બિરદાવ્યું

(ભાવિક મોદી દ્વાર), ટેમ્પા (અમેરિકા):ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય શાસન કરનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક સિદ્ધિને વૈશ્વિક સ્તરે બિરદાવવા માટે અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટેમ્પા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે એક ભવ્ય અને ગૌરવશાળી 'અભિનંદન સભા'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જુન ૧૩, શનિવારના રોજ આયોજિત આ વિશેષ સભામાં સમગ્ર અમેરિકામાંથી અગ્રણી ભારતીય સમુદાયના નેતાઓ, વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

આ ભવ્ય અભિનંદન સભાનું આયોજન શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી (લોયાધામ)ના માર્ગદર્શન અને સક્ષમ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સભા દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે મેળવેલી નવી ઓળખ અને પ્રગતિના વિવિધ પાસાઓ પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. વિદેશની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રનિર્માણના કાર્યો અને ભારતની વિકાસયાત્રાને બિરદાવવા માટે પ્રવાસી ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ગૌરવશાળી અને ઐતિહાસિક પ્રસંગે અમેરિકાના જાણીતા ફિલેંથ્રોફિસટ અને અગ્રણી ડૉ. કિરણ પટેલ, ગ્લોબલ ડાયલોગ ફાઉન્ડેશનના ચેરમેન બાવા જૈન, બીજેપી યુએસએ (BJP USA)ના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ અને ટેમ્પા ગુજરાતી સમાજના પ્રમુખ સંદીપભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. આ ઉપરાંત, હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) ના વરિષ્ઠ પદાધિકારીઓ અને પ્રભાવશાળી અગ્રણીઓ જેવા કે યશવંત પાઠક, નૈનન દેસાઈ, ગૌરાંગ વૈષ્ણવ અને વિનોદ પટેલ સહિત અન્ય અનેક સામાજિક અને ધાર્મિક સમુદાયના નેતાઓએ પણ ખાસ હાજરી આપી હતી. સભામાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત સેવાકાર્યો, વૈશ્વિક નેતૃત્વ અને ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પને બિરદાવીને ફ્લોરિડાના ભારતીય સમુદાય વતી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

(7:40 PM IST)