News of Sunday, 14th June 2026
બ્રાઝિલના આકાશમાં બે હેલિકોપ્ટર સામસામે ધડાકાભેર અથડાતાં મોટી દુર્ઘટના: 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા
એક એરબસ H125 અને બીજું બેલ 206B જેટ રેન્જર મોડેલ હેલિકોપ્ટર વચ્ચે ટક્કર બાદ સીધા જ જમીન પર એક ઇલેક્ટ્રિક વ્હીકલ ડીલરશીપના પાર્કિંગ એરિયામાં ખાબક્યા

બ્રાઝિલના રિયોડી જેનેરિયો શહેરમાં એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં આકાશમાં બે હેલિકોપ્ટર સામસામે ધડાકાભેર અથડાતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. પશ્ચિમી રિયોના રીક્રેયો દોસ બન્ડેઇરાન્ટેસ વિસ્તારમાં બનેલી આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભોગ બનેલા હેલિકોપ્ટરોમાં એક એરબસ H125 અને બીજું બેલ 206B જેટ રેન્જર મોડેલનું હોવાની વિગતો મળી રહી છે.
બ્રાઝિલના આભમાં બે હેલિકોપ્ટર સામસામે ધડાકાભેર અથડામણ બાદ સીધા જ જમીન પર એક ઇલેક્ટ્રિક વ્હીકલ ડીલરશીપના પાર્કિંગ એરિયામાં ખાબક્યા હતા. હેલિકોપ્ટર જમીન પર પડતાં જ તેમાં એકાએક ભયંકર બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં સમગ્ર પાર્કિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડેનિવેદનમાં જણાવ્યું છે કે આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે હેલિકોપ્ટરના કાટમાળની સાથે પાર્કિંગમાં મુકેલા 20 જેટલા વાહનો પણ આગની લપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર્સ અને ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસપાસના વિસ્તારમાં હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં આ હેલિકોપ્ટર દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે એવિએશન ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક પોલીસ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
