<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

હોર્મુઝમાં ભારતીય ક્રૂ વાળા જહાજ પર ડ્રોન હુમલો: ભારતના વિરોધ- નારાજગીની કોઈ અસર નહીં !!

ભારતે આ જીવલેણ હુમલાઓનો સખત વિરોધ નોંધાવી અમેરિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે, છતાં અમેરિકાએ નાકાબંધી અંગે પોતાનું કડક વલણ યથાવત રાખ્યું

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી અત્યંત ગંભીર સ્થિતિ  જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે શાંતિ કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો છે, પરંતુ હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ બંને દેશોના ભૌગોલિક-રાજકીય સંઘર્ષમાં  સૌથી વધુ નુકસાન નિર્દોષ ભારતીય ખલાસીઓને ભોગવવું પડી રહ્યું છે. ભારતે વારંવાર આ હુમલાઓનો વિરોધ નોંધાવ્યો છે, તેમ છતાં પરિસ્થિતિ સુધરવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

તાજેતરમાં, 12-13 જૂન, 2026 ની રાત્રે હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક ઓઈલ ટેન્કર પર ડ્રોન દ્વારા ભયાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજનું નામ 'બોકેમ મારેંગો' છે, જે હોંગકોંગનો ધરાવતું તેલ અને રસાયણ વહન કરતું ટેન્કર છે. આ જહાજનું સંચાલન એંગ્લો-ઈસ્ટર્ન શિપ મેનેજમેન્ટ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવતું હતું અને તેમાં કામ કરતા તમામ ક્રૂ સભ્યો ભારતીય હતા. આશ્ચર્યની વાત એ છે કે આ જહાજ યુએસ NCAGS સુરક્ષા પ્રણાલી હેઠળ પરિવહન કરી રહ્યું હતું, જેનો અર્થ એ છે કે યુએસ નેવી દ્વારા આ માર્ગનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. તેમ છતાં એક માનવરહિત ડ્રોને તેને નિશાન બનાવ્યું.

આ હુમલાને કારણે જહાજના 3 મુખ્ય ભાગોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જહાજનું સંતુલન જાળવવા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકીઓ એટલે કે નંબર 1 અને નંબર 2 પોર્ટ વોટર બેલાસ્ટ ટેન્કને અસર થઈ હતી. આ ઉપરાંત, જ્યાં તેલ અને રસાયણોનો સંગ્રહ થાય છે તે નંબર 2 પોર્ટ કાર્ગો ટાંકી પણ ક્ષતિગ્રસ્ત થઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આટલા મોટા હુમલા છતાં જહાજ ડૂબ્યું નહીં અને તમામ ભારતીય ખલાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા. ઘટના બાદ તાત્કાલિક ધોરણે એક Emergency Response Team બોલાવવામાં આવી હતી. શિપના માલિકોએ સંબંધિત નૌકાદળ એજન્સીઓ અને સમુદ્રી સુરક્ષા પર નજર રાખતી સંસ્થા UKMTO ને પણ જાણ કરી હતી. હુમલા પછી જહાજ ધીમે ધીમે યુએઈના (UAE) બંદર ફુજૈરાહ તરફ આગળ વધ્યું હતું. આ બંદર જહાજોના સમારકામ માટે જાણીતું છે, જ્યાં શિપિંગ કંપનીએ નિરીક્ષણ અને રિપેરિંગ માટે એક ખાસ ટીમ મોકલી છે.

હોર્મુઝનો પ્રદેશ વિશ્વના ઓઇલ ટ્રેડ માટેનો ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે. અમેરિકાએ આ વિસ્તારમાં કડક નાકાબંધી લાદી દીધી છે, જેથી તેમની મંજૂરી વિના કોઈ પણ જહાજ ત્યાંથી પસાર થઈ શકે નહીં. જે જહાજો આ નાકાબંધી તોડવાનો પ્રયાસ કરે છે તેના પર અમેરિકા હુમલો કરી રહ્યું છે અને સામે ઈરાન પણ વળતો પ્રહાર કરી રહ્યું છે. આ જ કડીમાં, પલાઉના ધ્વજ હેઠળ મુસાફરી કરી રહેલા એક સામાન્ય વેપારી જહાજ 'MT સેટેબેલો' પર યુએસ નેવીએ હુમલો કર્યો હતો. આ કોઈ લશ્કરી જહાજ ન હતું, પરંતુ તેમાં 24 ભારતીય ખલાસીઓ સવાર હતા. આ દર્દનાક હુમલામાં 21 ખલાસીઓને બચાવી લેવાયા હતા, પરંતુ 3 ભારતીય ખલાસીઓના દુઃખદ મોત થયા હતા

(12:10 AM IST)