News of Sunday, 14th June 2026
ICC મહિલા T20 વર્લ્ડ કપ: ભારત- પાકિસ્તાન વચ્ચે મુકાબલો : હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવવાનું ટાળ્યું
વર્ષ 2025 ના એશિયા કપથી શરૂ થયેલો આ વિવાદ ક્રિકેટ જગતમાં ફરી એકવાર ગરમાયો: મેચમાં રમત સિવાય 'હાથ ન મિલાવવાની નીતિ'એ ભારે ચર્ચા જગાવી છે

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમીને પોતાના શાનદાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. આ હાઈ-વોલ્ટેજ મેચ બર્મિંગહામના જગપ્રસિદ્ધ એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. મેચની શરૂઆતમાં જ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે મહત્વપૂર્ણ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાનની ટીમને મેદાન પર પહેલા બોલિંગ કરવા માટે ઉતરવું પડ્યું હતું. જો કે, આ મહામુકાબલામાં રમતની સાથે સાથે એક અન્ય રાજદ્વારી અને રમતગમતની બાબતે ભારે ચર્ચા જગાવી છે.
આ મેચમાં મેદાન પર બંને ટીમના ખેલાડીએ પરસ્પર હાથ મિલાવ્યો નહતો , જ્યારે બંને કેપ્ટન ટોસ માટે મેદાનની વચ્ચે એકઠા થયા, ત્યારે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની ટીમની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે સોહાર્દપૂર્ણ સંબંધોના બદલે આવી ઘટના જોવા મળી હોય તેવું આ પહેલી વાર નથી બન્યું. આ અગાઉ કોલંબોમાં રમાયેલા મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 દરમિયાન પણ ભારતીય ટીમે પાકિસ્તાન સામે બરાબર આવું જ વલણ અપનાવ્યું હતું.
વાસ્તવમાં, ખેલાડીઓ વચ્ચેના આ વિવાદના મૂળ પુરુષોના એશિયા કપ 2025 દરમિયાન રોપાયા હતા. તે ટુર્નામેન્ટ દરમિયાન ભારત અને પાકિસ્તાનની પુરુષ ટીમો કુલ 3 વખત એકબીજા સામે ટકરાઈ હતી. તે ત્રણેય મેચોમાં ભારતીય ખેલાડીઓએ મેચ શરૂ થતા પહેલા અને મેચ પૂર્ણ થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું સદંતર ટાળ્યું હતું. આ મુદ્દો વૈશ્વિક સ્તરે ત્યારે વધુ ગરમાયો જ્યારે એશિયા કપનું ટાઈટલ જીત્યા બાદ ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ - પીસીબીના વર્તમાન અધ્યક્ષ મોહસીન નકવી ના હાથે વિજેતા ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
આ હાઈ-પ્રોફાઈલ મેચની પૂર્વસંધ્યાએ આયોજિત પત્રકાર પરિષદમાં મીડિયા કર્મીઓ દ્વારા હરમનપ્રીત કૌરને હાથ ન મિલાવવાના આ ચર્ચિત વિવાદ અંગે તીખો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ સવાલનો ભારતીય કેપ્ટને અત્યંત પરિપક્વતા અને નીડરતાથી સ્પષ્ટ જવાબ આપતા કહ્યું કે, "અમે અહીં માત્ર પ્રોફેશનલ ક્રિકેટ રમવા માટે આવ્યા છીએ. તમે આ પ્રકારનો પ્રશ્ન અમને કેમ પૂછી રહ્યા છો?" હરમનપ્રીતના આ સચોટ અને વ્યાવસાયિક જવાબની સોશિયલ મીડિયા પર પ્રશંસકો દ્વારા વ્યાપક પ્રશંસા કરવામાં આવી હતી. લોકોએ તેને ભારતીય ટીમનું માત્ર રમત અને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક મજબૂત સંકેત ગણાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે પડોશી દેશ પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો અંગે પોતાનું વલણ પહેલેથી જ તદ્દન સ્પષ્ટ કરી દીધું છે. સરકારના નિયમ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો માત્ર આઈસીસી ટુર્નામેન્ટ્સ ને તટસ્થ સ્થળો પર રમાતી વૈશ્વિક ઇવેન્ટ્સ સુધી જ સીમિત રહેશે. બંને કટ્ટર હરીફ દેશો વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012-13 માં રમાઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી, ભારત અને પાકિસ્તાન માત્ર આઈસીસી અથવા એશિયન ક્રિકેટ કાઉન્સિલ - એસીસીની ઓફિશિયલ ટુર્નામેન્ટમાં જ સામસામે રમે છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
