<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

પતિના લગ્નેતર સંબંધથી કંટાળીને મહિલા મોબાઈલના ટાવર પર ચડી ગઈ

નીચે ઉતારવામાં પોલીસનો પરસેવો છૂટી ગયોઃ મહિલાના લગ્ન ૨૦૧૯માં થયા હતા અને તે ત્રણ બાળકોની મા છે

ગોપાલગંજ તા.૧૫: ગોપાલગંજના કટેયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ગામમાં રવિવારે સવારે એક મહિલા મોબાઈલ ટાવર પર ચડી જતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતાં ગામના લોકો ઘટના સ્‍થળે ટોળે વળ્‍યાં હતા અને મહિલાને નીચે ઉતારવા માટે સમજાવવાનો પ્રયત્‍ન કર્યો હતો. મળતી જાણકારી અનુસાર મહિલાના લગ્ન ૨૦૧૯માં થયા હતા અને તે ત્રણ બાળકોની મા છે. બીજી બાજુ કાનપુર દેહાતમાં એક મહિલા ન્‍યાયની માંગ સાથે ૧૦૦ ફૂટ ઊંચા ટાવર પર ચડી ગઈ હતી.

મહિલાનો આરોપ છે કે, તેનો પતિ બીજી મહિલાને પોતાની સાથે રાખે છે, જેનાથી તે ઘણા સમયથી માનસિક રીતે પરેશાન હતી. આ વિવાદને કારણે રવિવારે સવારે તે ગામમાં આવેલા એક મોબાઇલ ટાવર પર ચડી ગઈ હતી. સવારે જ્‍યારે ગામના લોકોનું ધ્‍યાન ટાવર પર ચડેલી મહિલા પર પડ્‍યું તો, મોટી સંખ્‍યામાં લોકો ઘટના સ્‍થળે પહોંચી ગયા. ઘટનાની જાણકારી મળતાં કટેયા પોલીસ સ્‍ટેશનના અધિકારીઓ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા અને મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે પ્રયત્‍ન શરૂ કર્યા હતા.

પોલીસ અને સ્‍થાનિક ગ્રામીણોએ મહિલાને ઘણી વાર સુધી સમજાવવાનો પ્રયત્‍ન કર્યો. કલાકો સુધી ચાલેલા ભારે ડ્રામા બાદ મહામહેનતે મહિલાને નીચે ઉતરવામાં સફળતા મળી હતી. પોલીસકર્મીએ મહિલાને સમજવા અને નીચે ઉતરવા માટે રાજી કરી, ત્‍યાર બાદ પોલીસે તેને સુરક્ષિત રીતે ટાવરની નીચે ઉતારી લીધી.

ઘટના બાદ પોલીસે મહિલા અને તેના પતિને પોતાની સાથે પોલીસ સ્‍ટેશને લઈ ગઈ હતી. જ્‍યાં બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, હાલ આ કેસની તપાસ ચાલી રહી છે અને તેના આધાર પર જ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બીજી બાજુ કાનપુર દેહાતમાં એક મહિલા ન્‍યાયની માંગને લઈને આશરે ૧૦૦ ફૂટ ઊંચા મોબાઇલ ટાવર પર ચડી ગઈ હતી. મહિલાનો આરોપ છે કે, પોતાના સાસરે જતી વખતે કેટલાક લોકોએ તેને અને તેના પતિને રોકીને તેઓનો ઢોર માર માર્યો હતો. પતિનો હાથ ભાંગી નાખ્‍યો અને તેની સાથે દુષ્‍કર્મનો પ્રયત્‍ન કર્યો.

મહિલાનું કહેવું છે કે, ફરિયાદ છતાં પોલીસે કેસ દાખલ કર્યો નહીં. તેના વિરોધમાં જ તે આશરે ૪ કલાક સુધી મોબાઈલ ટાવર પર રહી. ઘટના બાદ પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી અને મહિલાને નીચે ઉતારી હતી.

 

(10:22 AM IST)