<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી કોપર વાયર ચોરતી ગેંગ ઝડપાઈ, ₹4.30 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોરીનો માલ ખરીદનાર ભંગાર વેપારી સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા

સુરત ગ્રામ્ય એલસીબીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી કોપર વાયરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી બે આરોપીઓ અને બે સગીરોને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીનો માલ વેચીને મેળવેલી રોકડ રકમ, ગુનામાં વપરાયેલ ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹4.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ચોરીનો માલ ખરીદનાર ભંગાર વેપારી સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન આ સફળતા મળી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે ગત 2 જૂન, 2026ના રોજ કોસમાડા ગામ નજીક ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી મોટી માત્રામાં કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ એલસીબીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા શખ્સો ટેમ્પોમાં સામાન ભરી કામરેજ ચાર રસ્તાથી કડોદરા તરફ જઈ રહ્યા છે. જેના આધારે વાવ ગામ નજીક નેશનલ હાઈવે-48 પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

પોલીસે શંકાસ્પદ ટેમ્પો નંબર GJ-05-CT-7077ને અટકાવી તપાસ કરતા તેમાં રણજીત ચંદુભાઈ સાથડીયા, અમર અર્જુનભાઈ વાંસફોડા અને બે સગીરો મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કોસમાડા ખાતેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી કોપર વાયર ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.

આગળની તપાસમાં ખુલાસો થયો હતો કે ચોરાયેલો કોપર વાયર ખોલવડ-પાસોદરા પાટિયા વિસ્તારમાં ભંગારનો વેપાર કરતા મહેન્દ્ર ગુજ્જરને વેચવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો માલ વેચીને મેળવેલા ₹70,000 રોકડા પણ જપ્ત કર્યા છે.

પોલીસે ગુનામાં વપરાયેલ અતુલ થ્રી-વ્હીલર ટેમ્પો, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹4.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ બંને સગીરોને ચાઈલ્ડ વેલ્ફેર અધિકારીને સોંપી ચાઈલ્ડ ઓબ્ઝર્વેશન હોમ મોકલવામાં આવ્યા છે.

આ કેસમાં ચોરીનો માલ ખરીદનાર મહેન્દ્ર ગુજ્જર અને અન્ય સહઆરોપી સુરેશભાઈ દામાભાઈ ગોરાસાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમની ધરપકડ માટે સુરત ગ્રામ્ય એલસીબી દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેન જેવા મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાંથી ચોરીના ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે

(1:18 PM IST)