News of Monday, 15th June 2026
બ્રિટનમાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધની વડાપ્રધાન કીર સ્ટારમરની મોટી જાહેરાત : સત્તા ગુમાવવાની આશંકા વચ્ચે ઐતિહાસિક વારસો છોડી જવા લીધો મોટો નિર્ણય
ઓસ્ટ્રેલિયાના કાયદા કરતાં પણ વધુ કડક ‘ઓસ્ટ્રેલિયા પ્લસ’ પેકેજ હેઠળ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત રોમેન્ટિક કે સેક્સ્યુઅલ AI ચેટબોટ્સ પર પણ રોક : આગામી ગુરુવારે મેકરફિલ્ડ પેટાચૂંટણી જીતીને એન્ડી બર્નહામ વડાપ્રધાન સામે તાત્કાલિક પડકાર ફેંકશે તેવી અટકળો તેજ

લંડન: બ્રિટનના રાજકારણમાં ચાલી રહેલા ભારે ઘમસાણ અને સત્તા પરથી હટાવવાના સંકટ વચ્ચે વડાપ્રધાન કીર સ્ટારમરે આજે દેશના બાળકોને ઓનલાઈન માધ્યમોથી સુરક્ષિત રાખવા માટે એક ખૂબ જ મોટી અને ક્રાંતિકારી જાહેરાત કરી છે. વડાપ્રધાન કીર સ્ટારમરે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી આ જાહેરાત કરતા તેમણે આ સુધારાને ‘ઓસ્ટ્રેલિયા પ્લસ’ પેકેજ તરીકે ઓળખાવ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, વડાપ્રધાન તરીકે પોતાના દિવસો હવે ગણતરીના રહ્યા હોવાની આશંકા વચ્ચે તેઓ સત્તા છોડતા પહેલા એક મજબૂત ઐતિહાસિક વારસો (લેગસી) સ્થાપિત કરવાના મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.
ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિત AI ચેટબોટ્સ પર પણ લાગશે પ્રતિબંધ:
બ્રિટન સરકારનો આ નવો કાયદો ઓસ્ટ્રેલિયાના મોડેલને અનુસરશે, જેમાં ટિકટોક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ્સ, ફેસબુક, X (ટ્વિટર), યુટ્યુબ, સ્નેપચેટ અને રેડિટ જેવી લોકપ્રિય સાઇટ્સ પર બાળકો માટે ઉંમર મર્યાદા વધારીને ૧૬ વર્ષ કરવામાં આવશે. જોકે, બ્રિટનનો આ નવો નિયમ ઓસ્ટ્રેલિયા કરતા પણ એક ડગલું આગળ વધીને રોમેન્ટિક અથવા સેક્સ્યુઅલ પ્રકારના ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) ચેટબોટ્સ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે. આ સિવાય ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ પર પણ બાળકો અજાણ્યા લોકો સાથે ચેટ ન કરી શકે તે માટેના કડક નિયમો લાવવામાં આવશે. સરકાર આ કાયદાને આગામી નાતાલ (ક્રિસમસ) પહેલા પાસ કરાવીને ૨૦૨૭ ના વસંતઋતુ (સ્પ્રિંગ) ના પ્રારંભમાં જ દેશભરમાં અમલી બનાવવા માંગે છે.
સોશિયલ મીડિયા બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે: કીર સ્ટારમર:
આ જાહેરાત અંગે વડાપ્રધાન કીર સ્ટારમરે જણાવ્યું હતું કે, સરકારી પબ્લિક કન્સલ્ટેશનમાં આશરે ૧,૧૬,૦૦૦ જેટલા લોકોના અભિપ્રાયો મળ્યા બાદ તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે બાળકોની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબંધ જ એકમાત્ર સાચો વિકલ્પ છે. તેમણે ઉમેર્યું કે, "સોશિયલ મીડિયાની 'ઇનફાઇનાઇટ સ્ક્રોલ' જેવી વિશેષતાઓ બાળકોને કલાકો સુધી જકડી રાખવા માટે જ બનાવવામાં આવી છે. તેના કારણે બાળકો પોતાનું હોમવર્ક કરી શકતા નથી, વાંચન કરી શકતા નથી, બહાર મિત્રો સાથે રમી શકતા નથી કે સમયસર ઊંઘી પણ શકતા નથી. તે બાળકોને નાખુશ બનાવે છે અને તેનાથી માનસિક સ્વાસ્થ્યને ભારે નુકસાન થાય છે." આ કાયદા બાબતે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ લોખંડી ટક્કર લેવા તૈયાર છે, જેમણે અગાઉ અમેરિકન ટેક કંપનીઓ પર બ્રિટનના કડક નિયંત્રણોનો વિરોધ કર્યો હતો.
એન્ડી બર્નહામ દ્વારા વડાપ્રધાન પદ માટે તાત્કાલિક બળવાની તૈયારી:
બીજી તરફ લેબર પાર્ટીની અંદર વડાપ્રધાન કીર સ્ટારમર સામે નેતૃત્વ પરિવર્તનનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામ આગામી ગુરુવારે યોજાનારી મેકરફિલ્ડની પેટાચૂંટણી જીતીને વડાપ્રધાન કીર સ્ટારમર સામે તાત્કાલિક મોરચો ખોલવાની અને તેમને સત્તા પરથી હટાવવાની ગંભીર તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો વહેતા થયા છે. અગાઉ એન્ડી બર્નહામના સમર્થકો સપ્ટેમ્બર મહિનામાં લિવરપૂલ ખાતે યોજાનારી લેબર પાર્ટીની કોન્ફરન્સ સુધી રાહ જોવા માંગતા હતા. પરંતુ ગયા અઠવાડિયે બ્રિટનના સંરક્ષણ ખર્ચ મામલે થયેલા વિવાદ બાદ સંરક્ષણ સચિવ જોન હીલી અને સશસ્ત્ર દળોના મંત્રી અલ કાર્ન્સે રાજીનામાં આપી દેતા વડાપ્રધાન કીર સ્ટારમરની સ્થિતિ અત્યંત નબળી પડી ગઈ છે અને બળવાની આ પ્રક્રિયા ઝડપી બની છે.
રાજકીય આક્ષેપબાજી અને નિષ્ણાતોના મિશ્ર પ્રતિભાવો:
સરકારની આ જાહેરાત બાદ કન્ઝર્વેટિવ પક્ષના શેડો એજ્યુકેશન સેક્રેટરી લૌરા ટ્રોટે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "તે શરમજનક છે કે જ્યારે વડાપ્રધાનની પોતાની ખુરશી જોખમમાં આવી ત્યારે જ તેમણે આ નિર્ણય લીધો છે. અગાઉ લેબર પાર્ટીએ ત્રણ વખત આ પ્રતિબંધની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું." બીજી તરફ, લોર્ડ નાશે આ નિર્ણયને આવકાર્યો છે.
પરંતુ, ઓનલાઈન સેફ્ટી માટે કામ કરતી સંસ્થાઓમાં આ બાબતે તીવ્ર મતભેદો જોવા મળી રહ્યા છે. ૧૪ વર્ષની મોલી રસેલના આત્મહત્યાના કેસ બાદ સ્થપાયેલી 'મોલી રોઝ ફાઉન્ડેશન'ના ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી બરોઝે સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, માત્ર પ્રતિબંધ મૂકવાથી મૂળભૂત સેફ્ટીની સમસ્યાઓ હલ નહીં થાય અને તેનાથી વાલીઓમાં સુરક્ષાનો એક ખોટો ભ્રમ પેદા થશે, જે બાળકોની સુરક્ષાને વર્ષો પાછળ ધકેલી દેશે. આ સિવાય લેબર પાર્ટીના જ સાંસદ ફેર્યાલ ક્લાર્કે પણ ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રતિબંધના કારણે બાળકો યુટ્યુબ જેવા માધ્યમો પરથી પરીક્ષાનું રિવિઝન કે નવું શીખવાની તકો ગુમાવી બેસશે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
