News of Monday, 15th June 2026
અમેરિકા-ઈરાન યુદ્ધના અંત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી જૂના અંદાજમાં! : ફ્રાન્સ જો ૩ ટકા ડિજિટલ ટેક્સ પાછો નહીં ખેંચે તો વાઈન અને શેમ્પેઈન પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની આપી કડક ચેતવણી
ફ્રાન્સમાં યોજાનારા G7 શિખર સંમેલન પૂર્વે જ અમેરિકી પ્રમુખે ઇમેન્યુઅલ મેક્રોન સામે ખોલ્યો મોરચો : એમેઝોન, મેટા અને આલ્ફાબેટ જેવી અમેરિકન ટેક દિગ્ગજોને નિશાન બનાવતી નીતિ સામે ટ્રમ્પ આક્રમક : ફ્રાન્સના ૨ અબજ ડોલરના વાઈન ઉદ્યોગ પર સંકટના વાદળો

ન્યૂયોર્ક: અમેરિકા અને ઈરાન વચ્ચે ૧૦૭ દિવસ સુધી ચાલેલા ભીષણ યુદ્ધના અંતના સમાચારથી હજુ તો સમગ્ર દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો, ત્યાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના જૂના અને આક્રમક અંદાજમાં ટેરિફ વોર પર પરત ફર્યા છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, ફ્રાન્સમાં યોજાનારા G7 શિખર સંમેલન પૂર્વે જ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સંબોધીને એક મોટું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ફ્રાન્સ સરકારે અમેરિકી ટેક કંપનીઓ પર લાદેલો ૩ ટકા ડિજિટલ સર્વિસ ટેક્સ તાત્કાલિક અસરથી પાછો નહીં ખેંચ્યો, તો અમેરિકા ફ્રાન્સથી આયાત થતી તમામ વાઈન અને શેમ્પેઈન પર ૧૦૦ ટકા જેટલો ભારે ટેરિફ (આયાત ડ્યુટી) લગાવી દેશે. આ નિવેદનથી વૈશ્વિક સ્તરે હવે એક નવા ટ્રેડ વોરની આહટ સંભળાવવા લાગી છે.
શું છે આ ૩ ટકા ડિજિટલ ટેક્સનો વિવાદ?
ફ્રાન્સ સરકારે વર્ષ ૨૦૧૯માં એક નવો કાયદો પસાર કર્યો હતો, જેને 'ડિજિટલ સર્વિસ ટેક્સ' નામ આપવામાં આવ્યું છે. આ ટેક્સની ખાસિયત એ છે કે તે કંપનીઓના ચોખ્ખા મુનાફા (પ્રોફિટ) પર નહીં, પરંતુ ફ્રાન્સમાં થતી કુલ કમાણી (રેવેન્યુ) પર આધારિત છે. આ ટેક્સ લાવવા પાછળ ફ્રાન્સનો તર્ક એવો છે કે મોટી વૈશ્વિક ડિજિટલ કંપનીઓ ફ્રાન્સના ગ્રાહકો અને સ્થાનિક જાહેરાતના બજારમાંથી અબજો ડોલરની કમાણી કરે છે, પરંતુ ફ્રાન્સમાં તેમની ભૌતિક હાજરી (ફિઝિકલ ઓફિસ) ન હોવાના કારણે તેઓ પરંપરાગત ટેક્સ વ્યવસ્થામાંથી બચી જાય છે અને સ્થાનિક ઉદ્યોગો જેટલો ટેક્સ ચૂકવતી નથી. આ અસંતુલનને દૂર કરવા ફ્રાન્સે આ પગલું ભર્યું હતું.
માત્ર મોટી વૈશ્વિક કંપનીઓ જ નિશાના પર:
ફ્રાન્સનો આ ડિજિટલ ટેક્સ દરેક નાની-મોટી કંપની પર લાગુ થતો નથી. તે મુખ્યત્વે એવી મોટી ડિજિટલ કંપનીઓ પર લાદવામાં આવ્યો છે જેમનો વૈશ્વિક કારોબાર ખૂબ જ વિશાળ છે. આ માપદંડના કારણે અમેરિકાની ટોચની ટેક જાયન્ટ કંપનીઓ જેવી કે એમેઝોન, મેટા (ફેસબુક-ઇન્સ્ટાગ્રામ) અને આલ્ફાબેટ (ગુગલ) તેના દાયરામાં આવી ગઈ છે. આ જ કારણે અમેરિકા આ કાયદાને પોતાની કંપનીઓને જાણીજોઈને નિશાન બનાવતી એક ભેદભાવપૂર્ણ અને અયોગ્ય વ્યાપારી નીતિ માને છે. ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ ફ્રાન્સ પર ૨૦૦ ટકા સુધીનો ટેરિફ લગાવવાની ધમકી આપી ચૂક્યા છે, પરંતુ હાલમાં ૧૦૦ ટકા ટેરિફની આ કડક ચેતવણી ચર્ચાના કેન્દ્રમાં છે.
ટેરિફ વોરથી ફ્રાન્સના વાઈન ઉદ્યોગને મોટો ફટકો પડશે:
જો વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના આ નિવેદનનો અમલ કરશે તો ફ્રાન્સના પ્રતિષ્ઠિત વાઈન ઉદ્યોગની કમર તૂટી જવાની ભીતિ છે. અહેવાલો દર્શાવે છે કે ફ્રાન્સના કુલ વૈશ્વિક વાઈન વેપારનો આશરે પાંચમો ભાગ એટલે કે ૨૦ ટકા જેટલો હિસ્સો એકલું અમેરિકા આયાત કરે છે. ફ્રાન્સનો વાઈન ઉદ્યોગ દર વર્ષે અમેરિકી બજારમાં અંદાજે ૨ અબજ ડોલરની નિકાસ કરે છે. જો અમેરિકા ૧૦૦ ટકા ટેરિફ લાદી દેશે તો ફ્રેન્ચ વાઈન અને શેમ્પેઈન અમેરિકામાં બમણી કિંમતે વેચાશે, જેનાથી તેની માંગમાં મોટો ઘટાડો થઈ શકે છે.
સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને સામાન્ય માણસ પર અસર થશે:
આ વિવાદ માત્ર ટેક્સ કે વાઈન પૂરતો સીમિત નથી, પરંતુ ડિજિટલ અર્થતંત્રના નિયમોને લઈને બે મોટા દેશોની અલગ-અલગ વિચારધારાની લડાઈ છે. ફ્રાન્સનું કહેવું છે કે સ્થાનિક બજારમાંથી કમાણી કરનારે સ્થાનિક ટેક્સ આપવો જ પડશે, જ્યારે અમેરિકા તેને પોતાની અર્થવ્યવસ્થા પર સીધો હુમલો ગણાવે છે. જો આ ટ્રેડ વોર આગળ વધશે તો માત્ર વૈશ્વિક વેપાર સંબંધોમાં જ તણાવ નહીં આવે, પરંતુ વૈશ્વિક બજારોમાં ભારે અસ્થિરતા સર્જાશે અને રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ નકારાત્મક અસર પડશે. આ અઠવાડિયે ફ્રાન્સના એવિયન-લે-બેન્સ ખાતે યોજાનારા G7 શિખર સંમેલનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે આ મુદ્દે કોઈ સમજૂતી થાય છે કે આ વિવાદ કોઈ નવું સ્વરૂપ ધારણ કરે છે તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી રહેશે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
