News of Monday, 15th June 2026
ઉદ્ધવે પાર્ટીના સાંસદોની બેઠક યોજીઃ નવે નવ સાંસદોએ હાજરી આપી
ચાર સાંસદોએ રૂબરૂ બેઠકમાં હાજરી આપી હતી, જ્યારે ચાર અન્ય લોકોએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી

મુંબઈ તા.૧૫: શિવસેના (યુબીટી)ના કેટલાક સાંસદો પક્ષ બદલી શકે છે તેવી તીવ્ર અટકળો વચ્ચે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે તેમના જૂથના લોકસભા સાંસદોની બેઠક યોજી હતી, જેમાં બધા નવ સાંસદો વર્ચ્યુઅલી અથવા રૂબરૂ હાજર રહ્યા હતા. બેઠક પછી, પાર્ટીના એકમાત્ર રાજ્યસભા સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું કે બધા સાંસદો પાર્ટી સાથે મજબૂત રીતે જોડાયેલા છે.
ચાર સાંસદોએ રૂબરૂ બેઠકમાં હાજરી આપી હતી, જ્યારે ચાર અન્ય લોકોએ વર્ચ્યુઅલી હાજરી આપી હતી અને એક સાંસદે ફોન પર ઠાકરે સાથે વાત કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
બપોરે બાંદ્રા પૂર્વ વિસ્તારમાં આવેલા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી' ખાતે આ બેઠક યોજાઈ હતી.
કેટલાક સાંસદો ‘ઓપરેશન ટાઇગર' હેઠળ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ વચ્ચે આ ઘટનાક્રમ મહત્વપૂર્ણ બન્યો હતો.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, રાઉતે જણાવ્યું હતું કે મુંબઈના ત્રણ સાંસદો - અનિલ દેસાઈ, અરવિદ સાવંત અને સંજય પાટીલ - અને નાસિકના સાંસદ રાજાભાઉ વાજે સહિત ચાર સાંસદો વ્યક્તિગત રીતે બેઠકમાં હાજર રહ્યા હતા.
અન્ય ચાર સાંસદો - ઓમપ્રકાશ રાજે નિમ્બાલકર (ધારાશિવ), ભાઉસાહેબ વાકચૌરે (શિરડી), નાગેશ બાપુરાવ પાટીલ આષ્ટિકર (હિગોલી) અને સંજય દેશમુખ (યવતમાળ-વાશિમ) - વર્ચ્યુઅલી બેઠકમાં હાજર રહ્યા હતા, એમ પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે સાંસદ સંજય જાધવ (પરભણી)એ ફોન પર ઠાકરે સાથે વાત કરી હતી. રાઉતે એવી પણ માહિતી આપી હતી કે પાર્ટીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે પણ બેઠકમાં હાજર હતા. ‘બધા સાંસદો મજબૂત રીતે એક થઈને ઉભા છે અને શિવસેના (યુબીટી)ને વફાદાર છે. હવે, ઓછામાં ઓછું, અમને આશા છે કે અફવાઓનો દોર બંધ થશે!' એમ તેમણે કહ્યું હતું. બેઠકમાં ભાગ લેનારા એક સાંસદે જણાવ્યું હતું કે નિમ્બાળકર ઓનલાઈન બેઠકમાં હાજર રહ્યા હતા કારણ કે તેમના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે વાકચૌરે હૈદરાબાદમાં તેમની પત્નીની સારવાર કરાવી રહ્યા છે જે ત્યાં હાજર છે.
તેમણે કહ્યું કે ભૂતકાળમાં પાર્ટીની બેઠકોમાં ગેરહાજર રહેનારા જાધવ પણ વ્યસ્ત હતા. દેશમુખે પણ આવું જ કારણ આપ્યું અને વર્ચ્યુઅલી મીટિગમાં હાજરી આપી, જેમ કે આષ્ટિકર પાટીલ, જેઓ તેમના પુત્ર માટે વિધાનસભાની ચૂંટણી લડવા માટે પ્રચારમાં વ્યસ્ત છે, એમ તેમણે જણાવ્યું હતું. સાંસદે જણાવ્યું કે પાર્ટીના વડા ઠાકરેએ સાંસદોને મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ દેવા માફીના નાણાંના વિતરણ પર નજર રાખવા અને શક્ય હોય ત્યાં પાર્ટીના વિધાનસભ્યો સાથે સંકલન કરવા જણાવ્યું હતું.
મુંબઇ ઠાકરે જૂથમાં સાંસદોના વિભાજનની ચર્ચાઓ વચ્ચે રવિવારે શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં માતોશ્રી ખાતે પાર્ટીના લોકસભા સાંસદોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સાંસદ સંજય રાઉતે એવો દાવો કર્યો હતો કે આ બેઠકમાં ઠાકરે જૂથના તમામ નવ સાંસદોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે, ઉદ્ધવ ઠાકરેએ સાંસદોને માર્ગદર્શન આપ્યું હતું અને એ પણ માહિતી આપી હતી કે આવતા મહિને ફરીથી આવી જ બેઠક યોજાશે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
