News of Monday, 15th June 2026
અમેરિકા-ઈરાન ડીલને પીએમ મોદીએ વધાવી
પશ્ચિમ એશિયાના મહાયુદ્ધ પર વિરામ મુકાતાં પીએમ મોદીએ શાંતિ કરારને આવકાર્યો

નવી દિલ્હી, તા.૧૫: અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક શાંતિ કરાર પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા આપતાં આ ડીલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. પશ્ચિમ
એશિયાના લાંબા સંઘર્ષનો અંત લાવવા માટે થયેલી આ સમજૂતીને આવકારતાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, આ યુદ્ધે સમગ્ર વિશ્વના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને કેટલાય નિર્દોષ લોકોના જીવ લીધા છે. ભારતે આ શાંતિ પ્રક્રિયાની પ્રશંસા કરીને આશા વ્યક્ત કરી છે કે હવે પ્રદેશમાં સ્થિરતા પાછી ફરશે.
આ કરારની સૌથી મોટી સકારાત્મક અસર વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ' પર જોવા મળશે. ઈરાન અને અમેરિકાની પરસ્પર નાકાબંધીના કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ રાજદ્વારી સફળતા બાદ હોર્મુઝ સ્ટ્રેટને વ્યાપાર માટે સંપૂર્ણપણે ખુલ્લો મૂકવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનની મધ્યસ્થતાથી થયેલી આ વાટાઘાટો અંતર્ગત લેબનોન સહિત તમામ મોરચે લશ્કરી કાર્યવાહી સ્થગિત કરવા ઈરાનની સુપ્રીમ નેશનલ સિકયુરિટી કાઉન્સિલ પણ સહમત થઈ ગઈ છે.
શાંતિના આ સમાચાર વહેતા થતાં જ વૈશ્વિક બજારોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી ભારત જેવા આયાતકાર દેશોને મોટી આર્થિક રાહત મળશે. બીજી તરફ ભારતીય અને એશિયન શેરબજારો પણ જોરદાર ઉછાળા સાથે લીલા નિશાન પર બંધ થયા છે. આર્થિક નિષ્ણાતોના મતે, જો આ ઊર્જા માર્ગ કાયમી ધોરણે સુરક્ષિત રહેશે તો વૈશ્વિક મોંઘવારી પર લગામ કસાશે અને મંદીના વાદળો વિખરાઈ જશે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
