News of Monday, 15th June 2026
આકાશમાં ચમકતા રહસ્યમય 'લાલ ગોળાઓ'નું સરનામું મળી ગયું? અમેરિકાના એકાંત તળાવ પાસે FBI ને મળ્યા ચોંકાવનારા પુરાવા!
યુએસ સરકારની ડિક્લાસિફાઇડ ફાઇલોમાં મોટો ખુલાસો: વર્ષોથી આકાશમાં દેખાતી અજીબોગરીબ રોશની પાછળનું સત્ય શોધવાની નજીક પહોંચ્યા અધિકારીઓ; એજન્ટોએ જાતે જોયું રહસ્યમય દ્રશ્ય.

વોશિંગ્ટન | તા. 15 જૂન, 2026: શું પૃથ્વી પર એલિયન પ્રવૃત્તિઓ કે અન્ય કોઈ અદ્યતન તકનીકનો પુરાવો મળી ગયો છે? અમેરિકામાં વર્ષોથી લોકોની ઊંઘ હરામ કરનારા 'ચમકતા ગોળાઓ' (Orbs) ના રહસ્ય પરથી પડદો ઉઠાવવાની તૈયારી ચાલી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના તાજેતરના ડિક્લાસિફિકેશન ઓર્ડર બાદ બહાર આવેલી FBI ની અત્યંત ગુપ્ત ફાઇલોમાં આ રહસ્યમય સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે વૈજ્ઞાનિકો અને સુરક્ષા એજન્સીઓને વિચારતા કરી દીધા છે.
એકાંત તળાવ બન્યું 'ગ્રાઉન્ડ ઝીરો'
ઉત્તર અમેરિકાના એક શાંત અને એકાંત તળાવ કિનારે વર્ષ ૨૦૨૧ થી આ અજીબ ઘટનાઓ સતત નોંધાઈ રહી છે. આ ગોળાઓ ક્યારેક ઝાડની ડાળીઓ વચ્ચે, તો ક્યારેક પાણીની સપાટી નજીક તો વળી ક્યારેક આકાશમાં અનિયમિત ગતિએ ફરતા જોવા મળે છે. ફાઇલ અનુસાર, આ ગોળાઓ માત્ર પ્રકાશ જ નથી ફેંકતા, પરંતુ તે પોતાનું કદ બદલવા અને નકલ (Replicate) કરવાની ક્ષમતા પણ ધરાવે છે. એક સ્થાનિક રહીશે જ્યારે પોતાના ટ્રેઇલ કેમેરા અને સેન્સર્સ દ્વારા ડેટા એકત્રિત કર્યો, ત્યારે ગામા રેડિયેશનમાં વધારો અને ઇલેક્ટ્રોનિક્સ તથા GPS સિગ્નલોમાં વિચિત્ર વિક્ષેપ પણ જોવા મળ્યો હતો.
FBI એજન્ટો પોતે બન્યા સાક્ષી
આ ઘટના માત્ર અફવા નથી. નવેમ્બર ૨૦૨૪ માં જ્યારે બે FBI એજન્ટોએ તે વિસ્તારની મુલાકાત લીધી, ત્યારે તેમણે પોતે આ ચમકતી લાઈટ્સ જોઈ હતી. તેમના રિપોર્ટ મુજબ, સફેદ અને વાદળી રંગના પ્રકાશના પ્લુમ્સ (Plumes) અચાનક પ્રગટ થતા અને ગાયબ થઈ જતા હતા. એજન્ટોએ સ્પષ્ટ લખ્યું છે કે, તળાવના કિનારે એક તેજસ્વી લાલ પ્રકાશ એક તેજસ્વી સફેદ પ્રકાશ સાથે અત્યંત ઝડપથી જમણેથી ડાબે ગતિ કરતો હતો. તેમણે કોઈ ડ્રોન કે અન્ય માનવસર્જિત ઉપકરણની હાજરીને પણ નકારી કાઢી છે.
રહસ્ય હજુ પણ અકબંધ
આ વિસ્તારમાં કોઈ લશ્કરી સુવિધા કે સંવેદનશીલ સ્થળ નથી, જે આ ટેકનોલોજીને માનવસર્જિત ગણાવે. આ અગાઉ પશ્ચિમ અમેરિકાના પર્વતોમાં પણ આવા જ ગોળાઓ જોવા મળ્યા હતા, જ્યાં લડાયક વિમાનોને તેમને તપાસવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે તે ગોળાઓએ ફાઈટર જેટનો પીછો પણ કર્યો હતો અને ગતિમાં અનેકગણો ફેરફાર કર્યો હતો.
શું આ કોઈ કુદરતી ઘટના છે, વિદેશી શક્તિઓની ટેકનોલોજી છે, કે પછી ખરેખર બ્રહ્માંડના કોઈ અજાણ્યા મહેમાનોનું આગમન છે? અમેરિકાના અધિકારીઓ હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી, પરંતુ આ ઘટનાઓએ સમગ્ર દુનિયામાં ઉત્સુકતા વધારી દીધી છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
