<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

રશિયાના અત્યાર સુધીના સૌથી ભયાનક હવાઈ હુમલાથી ધ્રૂજી ઉઠ્યું યુક્રેન : કિવ અને ખાર્કિવ પર 70 મિસાઇલો અને 600થી વધુ આત્મઘાતી ડ્રોન ઝીંક્યા: 11ના મોત

1000 વર્ષ જૂનું ઐતિહાસિક ચર્ચ બળીને ખાખ થતાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેને ખ્રિસ્તી સંસ્કૃતિ વિરુદ્ધનો મોટો ગુનો ગણાવ્યો

કિવ : યુક્રેન યુદ્ધના ઇતિહાસમાં રવિવાર અને સોમવારની મધ્યરાત્રિ કાળી શાહીથી લખાશે. જ્યારે આખું યુક્રેન ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે રશિયાએ અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક સરેરાશ 681 હથિયારોનો સંયુક્ત હુમલો કર્યો હતો. જેમાં 70 અત્યાધુનિક મિસાઇલો અને 611 શહીદ  આત્મઘાતી ડ્રોન સામેલ હતા. યુક્રેનની અભેદ્ય ગણાતી એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ 632 શસ્ત્રોને તોડી પાડીને વળતો પ્રહાર કર્યો હતો, છતાં 20 બેલિસ્ટિક મિસાઇલો અને 27 ડ્રોન રહેણાંક વિસ્તારો પર ત્રાટક્યા હતા. કિવ અને ખાર્કિવ જેવા મોટા શહેરોના 42 અલગ-અલગ સ્થળો સેકન્ડોમાં કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ આકાશી તાંડવમાં 5 અને 6 વર્ષના માસૂમ બાળકો સહિત 11 નાગરિકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 53થી વધુ લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા થયા છે. કિવના પોશ વિસ્તાર ગણાતા શેવચેન્કિવસ્કીમાં માત્ર 30 મિનિટમાં 5 પ્રચંડ વિસ્ફોટો થયા, જેના કારણે 25 માળની રહેણાંક ઇમારત, સ્થાનિક બજારો અને સુપરમાર્કેટ્સ જોતજોતામાં ભડભડ સળગી ઉઠ્યા હતા.

આ ભયાનક સૈન્ય હુમલાએ માત્ર માનવજીવન જ નહીં, પરંતુ વૈશ્વિક સાંસ્કૃતિક વારસા પર પણ ઊંડો ઘા કર્યો છે. કિવની શાન અને ઓળખ સમાન 11મી સદીનો ઐતિહાસિક મઠ 'કિવ-પેચેર્સ્ક લવરા' (ગુફાઓનો મઠ), જે યુનેસ્કો (UNESCO) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરાયેલો છે, તેની છત પર રશિયન ડ્રોન સીધું અથડાતાં ડોર્મિશન કેથેડ્રલમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ચર્ચના સોનેરી ગુંબજ અને સદીઓ જૂની ઈમારતો ધુમાડાના ગોટેગોટામાં ગરકાવ થઈ ગઈ હતી. યુક્રેનિયન ઓર્થોડોક્સ ચર્ચના વડા મેટ્રોપોલિટન એપિફેનિયસે ભારે હૈયે આ ઘટનાને માનવતા અને ખ્રિસ્તી ધર્મ પરનો ક્રૂર હુમલો ગણાવ્યો હતો. સોમવારે સવારે જ રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કેબિનેટ મંત્રીઓ સાથે આ પવિત્ર સ્થળની મુલાકાત લીધી હતી અને ભાવુક થઈને જણાવ્યું હતું કે, "આ રશિયા દ્વારા ઈશ્વર અને માનવ સભ્યતા સામે આચરવામાં આવેલો જઘન્ય અપરાધ છે." જોકે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે હંમેશની જેમ આક્ષેપો નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેમણે માત્ર ડ્રોન ફેક્ટરીઓ અને લશ્કરી પ્લાન્ટને નિશાન બનાવ્યા હતા, અને ચર્ચ પરનો હુમલો યુક્રેનની જ મિસફાયર થયેલી અમેરિકન પેટ્રિઅટ મિસાઇલના કારણે થયો હતો.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ ભયાનક હુમલાના બરાબર થોડા કલાકો પહેલા જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના 80મા જન્મદિવસે રાષ્ટ્રપતિ પુતિન અને ઝેલેન્સ્કી સાથે ફોન પર લાંબી વાતચીત કરીને શાંતિનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુએસ જ્યારે મધ્યસ્થીના પ્રયાસો તેજ કરી રહ્યું હતું, ત્યારે જ પુતિને આ હુમલો કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રશિયા હજુ નમતું જોખવાના મૂડમાં નથી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ફ્રાન્સમાં મંગળવારથી જી-7 (G7) દેશોની મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી રૂબરૂ મળવાના છે. હાલમાં ઈરાન સંકટને કારણે વૈશ્વિક મીડિયાનું ધ્યાન યુક્રેન પરથી હટી રહ્યું હતું, પરંતુ આ હુમલાએ ફરી આખા વિશ્વને હચમચાવી દીધું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ ચર્ચ પરના હુમલાને પેરિસના પ્રખ્યાત નોટ્રે ડેમ કેથેડ્રલની દુર્ઘટના સાથે સરખાવી રશિયાની કડક શબ્દોમાં નિંદા કરી છે. પશ્ચિમી દેશો હવે યુક્રેનને વધુ શક્તિશાળી એન્ટી-બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ પુરી પાડવા માટે નવી વ્યૂહરચના ઘડી રહ્યા છે.

(6:01 PM IST)