News of Monday, 15th June 2026
ગ્લોબલ માર્કેટમાં 'ડબલ ધમાકો': રશિયા-યુક્રેન અને ઈરાન સંકટના અંતથી ભારતીય અર્થતંત્ર સુપરફાસ્ટ સ્પીડે દોડશે
યુએસ શાંતિ દૂતો મોસ્કો પહોંચતા જ ક્રૂડ ઓઇલ અને ગેસના આંતરરાષ્ટ્રીય ભાવો તળિયે બેઠા: પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વચ્ચે રૂપિયો પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટીએ : ખેડૂતો માટે ખાતર અને સામાન્ય નાગરિકો માટે રસોડાનું બજેટ થશે હળવું

નવી દિલ્હી: વૈશ્વિક રાજનીતિના પટલ પરથી ભારતીય નાગરિકોના ખિસ્સા અને રસોડા સુધી ખુશીઓ લાવનારા બે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ એશિયામાં ઈરાન યુદ્ધ પર વિરામ લાગ્યા બાદ હવે પાંચ વર્ષ લાંબા અને કંટાળાજનક રશિયા-યુક્રેન સંકટનો પણ અંતિમ અધ્યાય શરૂ થઈ ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ શાંતિ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર યુદ્ધ વિરામનો નક્કર પ્રસ્તાવ લઈને મોસ્કો પહોંચી રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે કરી છે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ યુદ્ધને હવે વાટાઘાટો દ્વારા સમાપ્ત કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ઐતિહાસિક રાજદ્વારી હિલચાલની સીધી અને સકારાત્મક અસર વૈશ્વિક શેરબજારો અને કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે, જેના કારણે લાંબા સમયથી મોંઘવારીનો માર સહન કરી રહેલા ભારતીય અર્થતંત્રને નવી ઉર્જા અને ગતિ મળવા જઈ રહી છે.
આ ડબલ ગ્લોબલ ટ્રીટથી ભારતને થનારો સૌથી મોટો ફાયદો ક્રૂડ ઓઇલ અને ઊર્જા ક્ષેત્રે થશે, કારણ કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ઈરાન પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હળવા થતાં જ હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ મુક્ત થશે, જેનાથી ભારતને ઈરાન પાસેથી સીધું, સસ્તું અને ઝડપી ક્રૂડ ઓઇલ તેમજ ગેસ ઉપલબ્ધ થશે. બીજી તરફ, રશિયા પરના પ્રતિબંધો હટવાથી પશ્ચિમી દેશોના દબાણ વગર ભારત પોતાની શરતો પર સસ્તા દરે રશિયન તેલ અને અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી ખરીદી શકશે. બજારમાં તેલનો પુરવઠો અચાનક વધી જવાથી આંતરરાષ્ટ્રીય ભાવો તૂટશે, જેના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસના સિલિન્ડર સસ્તા થવાનો માર્ગ મોકળો બન્યો છે. આ અણધાર્યા આર્થિક બૂસ્ટરના કારણે સોમવારે જ ભારતીય રૂપિયો મજબૂત થઈને પાંચ મહિનાની રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચી ગયો છે, જે દેશની આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ થવાના સંકેત આપે છે.
આ આંતરરાષ્ટ્રીય મહાયુદ્ધોના અંતથી ભારતના અન્નદાતા એટલે કે ખેડૂતો અને સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોના રસોડાના બજેટમાં મોટો સુધારો જોવા મળશે. રશિયા, બેલારુસ અને યુક્રેન પોટાશ, નાઇટ્રોજન અને યુરિયા જેવા મહત્વના ખાતરોના મુખ્ય સપ્લાયર છે, જેથી યુદ્ધ બંધ થતાં જ બજારમાં ખાતરનો પુરવઠો વધશે અને ડીએપી સહિતના જંતુનાશકોના ભાવ ઘટશે. આ ઉપરાંત, વિશ્વના 'બ્રેડ બાસ્કેટ' ગણાતા રશિયા અને યુક્રેનમાંથી ઘઉં, મકાઈ અને સૂર્યમુખી (સનફ્લાવર) તેલની નિકાસ પુનઃ શરૂ થતાં વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલ અને અનાજ સસ્તા થશે. આનાથી ભારતના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને નવો વેગ મળશે, પરિણામે બિસ્કિટ, બ્રેડ અને રોજિંદા નાસ્તાના ભાવ ઘટશે. એટલું જ નહીં, કાચા તેલમાંથી બનતા પેટ્રોકેમિકલ્સ અને સિન્થેટિક ફાઇબરના ભાવ ઘટવાથી પ્લાસ્ટિકની ઘરગથ્થુ વસ્તુઓ, પેકેજિંગ મટીરિયલ, તેમજ કપડાં અને પગરખાં પણ સસ્તા થશે, જેનો સીધો લાભ આમ આદમીને મળશે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
