<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ફિનટેક સેક્ટરમાં ધમાકો: રેઝરપે લાવશે ₹૬,૦૦૦ કરોડ સુધીનો ધમાકેદાર IPO, સેબીમાં ગુપ્ત દસ્તાવેજો દાખલ

હરીફ કંપની ફોનપેએ બજારની અસ્થિરતા જોઈને આઈપીઓ લંબાવ્યો ત્યારે જ રેઝરપેએ ખેલી મોટી ચાલ: ૨૦૨૦માં યુનિકોર્ન બનેલી કંપની ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ માટે સજ્જ : રોકાણકારોમાં ભારે ઉત્તેજના

બેંગલુરુ: ભારતીય ફિનટેક અને સ્ટાર્ટઅપ જગતમાંથી રોકાણકારો માટે અત્યાર સુધીના સૌથી મોટા અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી પેમેન્ટ ગેટવે અને ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર કંપની 'રેઝરપે'  એ ભારતીય શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની સત્તાવાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપનીએ બજાર નિયમનકાર સેબી  સમક્ષ અત્યંત ગોપનીય રીતે  પોતાના પ્રસ્તાવિત આઈપીઓ (IPO) માટેના ડ્રાફ્ટ દસ્તાવેજો સબમિટ કર્યા છે. સોમવારે જારી કરાયેલી સત્તાવાર જાહેર નોટિસ મુજબ, કંપની બજારમાંથી અંદાજે ₹૫,૦૦૦ થી ₹૬,૦૦૦ કરોડ જેટલું માતબર ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જેના કારણે દલાલ સ્ટ્રીટ અને આઈપીઓ માર્કેટમાં અત્યારથી જ ગરમાવો આવી ગયો છે.

રેઝરપેની સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી. વર્ષ ૨૦૧૪માં આઇઆઇટીના બે મિત્રો હર્ષિલ માથુર અને શશાંક કુમાર દ્વારા ખૂબ જ નાના પાયે શરૂ કરાયેલું આ સ્ટાર્ટઅપ આજે કરોડો વ્યવસાયોની કરોડરજ્જુ સમાન બની ગયું છે. કંપની નાના સૂક્ષ્મ ઉદ્યોગો (MSMEs) થી લઈને દેશના અગ્રણી કોર્પોરેટ ગૃહોને ઓનલાઈન પેમેન્ટ કલેક્શન, સેલેરી પેમેન્ટ, બેંકિંગ સોલ્યુશન્સ અને બિઝનેસ લોન જેવી વ્યાપક નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. વર્ષ ૨૦૨૦માં માત્ર $૧ અબજ ડોલરના મૂલ્યાંકન સાથે 'યુનિકોર્ન'નો દરજ્જો મેળવ્યા બાદ રેઝરપેએ તેની બિઝનેસ ઇકોસિસ્ટમનો અભૂતપૂર્વ વિસ્તાર કર્યો છે, જેના કારણે આ આઈપીઓનું મૂલ્યાંકન અને લિસ્ટિંગ પ્રીમિયમ ઐતિહાસિક રહેવાની બજારના નિષ્ણાતો આશા રાખી રહ્યા છે.

રેઝરપેનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તેની કટ્ટર હરીફ કંપની 'ફોનપે' (PhonePe) એ વૈશ્વિક રાજકીય તણાવ અને શેરબજારની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને પોતાની આઈપીઓ લાવવાની યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખી છે. આવી સ્થિતિ વચ્ચે રેઝરપે દ્વારા લેવાયેલું આ સાહસિક પગલું બજારમાં તેની મજબૂત પકડ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. તાજેતરમાં જ પ્રાથમિક બજારમાં ધાતુ કંપની CMR ગ્રીન ટેક્નોલોજીસના આઈપીઓએ તેના ઇશ્યૂ ભાવ પર ૪૩.૪૩ ટકાના બમ્પર પ્રીમિયમ સાથે લિસ્ટ થઈને રોકાણકારોને માલામાલ કર્યા છે, ત્યારે રેઝરપેના આઈપીઓ માટે પણ આગામી દિવસોમાં સેબીની મંજૂરી બાદ રોકાણકારોની ભારે પડાપડી થાય તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે.

(7:03 PM IST)