<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

દેશ વિરોધી કાવતરું નાકામ: ISI ના આતંકી મોડ્યુલ પર સુરક્ષા એજન્સીઓ તૂટી પડી : UP-MP સહિત 4 રાજ્યોમાં હાઈ-પ્રોફાઈલ ઓપરેશન

પ્રખ્યાત ધાર્મિક સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોને બોમ્બ બ્લાસ્ટથી દહેશત ફેલાવવાનું પાકિસ્તાની ગુપ્તચર એજન્સીનું ષડયંત્ર: ચાર રાજ્યોની એટીએસના સંયુક્ત દરોડામાં બિહારથી વધુ એક કટ્ટરપંથી પકડાયો : મોટી માત્રામાં વિસ્ફોટક અને વાંધાજનક સામગ્રી જપ્ત

પટના: પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI) ની મદદથી ભારતમાં લોહીની નદીઓ વહાવવાના એક અત્યંત ખતરનાક અને આંતરરાષ્ટ્રીય સ્તરના આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે. દેશની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ બિહાર સહિત ચાર રાજ્યોની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ એકસાથે મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને આ સ્લીપર સેલ નેટવર્કને હચમચાવી દીધું છે. આ મેગા ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ બિહારમાંથી વધુ એક મોસ્ટ વોન્ટેડ શંકાસ્પદ આતંકવાદીની અટકાયત કરી છે, જેની અત્યારે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના મતે, આ ધરપકડ બાદ દેશમાં સક્રિય પાકિસ્તાની હેન્ડલર્સના અનેક ચોંકાવનારા રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શકે છે.

આ હાઈ-પ્રોફાઈલ રેડ પહેલાં એજન્સીઓએ અલગ-અલગ રાજ્યોમાંથી આ જ મોડ્યુલ સાથે સંકળાયેલા ત્રણ કટ્ટરપંથી આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં ભોપાલથી મોહમ્મદ ફરાઝ, રાજસ્થાનના અલવરથી શાકિર મેઓ અને ઉત્તર પ્રદેશના સહારનપુરથી નઈમ અબ્દુલ્લા શેખનો સમાવેશ થાય છે. આ ત્રણેયની આકરી પૂછપરછમાં એવો સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે, શાકિર મેઓ હરિયાણાના નુહ જિલ્લાની એક સ્થાનિક મસ્જિદમાં મૌલવી તરીકે આસપાસના યુવાનોનું બ્રેઈનવોશ કરતો હતો અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે આઈપી એડ્રેસ બદલીને પાકિસ્તાન સાથે વાત કરતો હતો. પકડાયેલા આતંકીઓના ઠેકાણાઓ પરથી તપાસ ટીમોને ડિજિટલ પુરાવા, નકશાઓ અને મોટી માત્રામાં ગુનાહિત સામગ્રી મળી આવી છે, જેના આધારે આખા નેટવર્ક અને વિદેશી ફંડિંગના સ્ત્રોતોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ, આ આતંકવાદી મોડ્યુલ ભારતના અનેક અતિ મહત્વના ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્મારકો અને ભીડભાડવાળા જાહેર સ્થળો પર શ્રેણીબદ્ધ મોટા આતંકવાદી હુમલાઓ કરવાની ફિરાકમાં હતું. બીજી તરફ, રાષ્ટ્રીય તપાસ એજન્સી એ પણ આ એક્શન મોડને આગળ ધપાવતા પંજાબના માનસા જિલ્લાના કુલાના ગામમાં પાકિસ્તાની આતંકી શહજાદ ભટ્ટીના નજીકના સાથી યાદવિંદર સિંહ ઉર્ફે પ્રીતના ઘર પર દરોડા પાડ્યા છે. યાદવિંદરે સ્વીકાર્યું છે કે તે છેલ્લા બે વર્ષથી ભટ્ટી સાથે સતત સંપર્કમાં હતો. હાલમાં ચારેય રાજ્યોની સરહદો પર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એજન્સીઓ કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે રાત-દિવસ દરોડા પાડી રહી છે.

(7:03 PM IST)