<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

RSS વિરૂદ્ધ કર્ણાટક સરકાર: મંત્રી પ્રિયાંક ખડગેએ પત્ર લખીને સંઘના ભંડોળ, સંપત્તિ અને રજીસ્ટ્રેશન પર સવાલો ઉઠાવ્યા : ભાગવતે આપ્યો જડબાતોડ જવાબ

કર્ણાટકના ગૃહમંત્રીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાનૂની સ્થિતિ અને આવક-ખર્ચના સ્ત્રોતો જાહેર કરવાની માંગ કરી : સંઘ પ્રમુખે આ પગલાને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને કહ્યું કે 100 વર્ષમાં કોઈ સરકારે આવી માંગ કરી નથી

બેંગલુરુ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  અને કર્ણાટકની કોંગ્રેસ સરકાર વચ્ચે એક નવો અને મોટો રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ સોમવારે RSS ના વડા મોહન ભાગવતને એક સત્તાવાર પત્ર લખીને સંગઠનની કાનૂની સ્થિતિ, તેની નોંધણી (રજીસ્ટ્રેશન), ભંડોળના સ્ત્રોતો, વાર્ષિક આવક-ખર્ચ અને જાહેર જવાબદારી અંગે તીખા પ્રશ્નો ઉઠાવ્યા છે. પોતાના બે પાનાના પત્રમાં ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે બંધારણીય લોકશાહીમાં કોઈપણ સંગઠન, ભલે તે ગમે તેટલું જૂનું, મોટું કે પ્રભાવશાળી હોય, તે દેશના કાયદા અને જાહેર ચકાસણીથી ઉપર હોઈ શકે નહીં. જોકે, આ પત્રના જવાબમાં સંઘના પ્રમુખ મોહન ભાગવતે સરકારના આ વલણને સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે RSS ને કોઈ ઔપચારિક નોંધણીની જરૂર નથી, તેમજ છેલ્લા 100 વર્ષના ઈતિહાસમાં કોઈ સરકારે આવી માંગ કરી નથી.

ગૃહમંત્રી પ્રિયાંક ખડગેએ આ પત્રમાં સંઘના પોતાના આંકડાઓનો હવાલો આપીને ઘેરાબંધી કરી છે. તેમણે જણાવ્યું કે RSS કર્ણાટક રાજ્યમાં 4,127 દૈનિક શાખાઓ, 1,389 સાપ્તાહિક બેઠકો અને 60 માસિક મંડળોનું એક વિશાળ નેટવર્ક ચલાવે છે. આ ઉપરાંત સંઘે રાજ્યભરમાં 2,194 પરિષદો અને 500 થી વધુ સરઘસોનું પણ આયોજન કર્યું છે. ખડગેની દલીલ છે કે જે સંગઠન આટલી વ્યાપક પ્રવૃત્તિઓ, નિયમિત જાહેર કાર્યક્રમો, ગણવેશધારી સરઘસો અને મોટા પાયે જનસંપર્ક અભિયાનો ચલાવતું હોય, તેને કોઈ ખાનગી કે અનૌપચારિક વ્યવસ્થા ગણી શકાય નહીં. તેથી, કાયદો અને વ્યવસ્થા તેમજ પારદર્શિતાના ભાગરૂપે સંઘે તેના સંગઠનાત્મક માળખા, અધિકૃત પદાધિકારીઓ અને જનતા પાસેથી મળતા દાનની વિગતો સાર્વજનિક કરવી જોઈએ.

આ પત્રમાં મંત્રીએ સંગઠનની સંપત્તિઓ અને ટેક્સ કાયદાના પાલન અંગે પણ ગંભીર પ્રશ્નો પૂછ્યા છે. તેમણે સીધો સવાલ કર્યો છે કે RSS પાસે હાલમાં કેટલી મિલકતો છે, તે પોતાના નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચ કરે છે અને શું તે પ્રવર્તમાન કાયદા હેઠળ યોગ્ય કર (ટેક્સ) ચૂકવે છે? પ્રિયાંક ખડગેએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ઔપચારિક નોંધણી વિના કયા કાનૂની આધાર પર સંઘ આટલી મોટી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને આ જાહેર કાર્યક્રમો માટે વહીવટી પરવાનગીઓ લેવામાં આવે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ખડગેએ RSS ને સરકારી જવાબદારીમાંથી મળતી કથિત મુક્તિ પર સવાલ ઉઠાવ્યા હતા અને આ કાનૂની જોગવાઈઓને સમજવા માટે તેઓ નાગપુર સ્થિત સંઘના મુખ્યાલયની મુલાકાત લેવા પણ તૈયાર છે તેમ જણાવ્યું હતું, જે બાદ આ રાજકીય ગરમાવો વધુ તીવ્ર બન્યો છે.

(8:07 PM IST)