<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને ભારે પવનને લઈને હાઈ એલર્ટ જાહેર

ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના અનેક વિસ્તારોમાં 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને કરા પડવાની સંભાવના

નવી દિલ્હી :દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે  16 જૂનના રોજ દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને ભારે પવનને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના અનેક વિસ્તારોમાં 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને કરા પડવાની સંભાવના છે, જેના કારણે વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે.

IMDની ચેતવણી અનુસાર, 16જૂને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ અને વીજળી પડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પહાડી વિસ્તારોથી લઈને મેદાની પ્રદેશોમાં ભારે પવનને કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે.

ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, આગ્રા, મથુરા, કાનપુર, ગોરખપુર, વારાણસી અને પ્રયાગરાજ સહિતના ડઝનથી વધુ જિલ્લાઓમાં ૮૦-૮૫ કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બીજી તરફ, બિહારના પટના, ગયા, ગોપાલગંજ, દરભંગા અને ભાગલપુર સહિત ૧૪ જિલ્લામાં ભારે વરસાદ સાથે કરા પડવાની આશંકા છે, જેથી લોકોને ખુલ્લા મેદાનોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનીતાલ, હરિદ્વાર અને હિમાચલના કાંગડા, મંડી, કુલ્લુ તેમજ જમ્મુ-કાશ્મીરના બારામુલા અને પુલવામામાં ભારે ભૂસ્ખલન અને પૂરનો ખતરો છે. આ તરફ પંજાબના લુધિયાણા-ચંડીગઢ, પશ્ચિમ બંગાળના હાવડા-હુગલી, ઝારખંડના રાંચી-જમશેદપુર, રાજસ્થાનના જયપુર-બિકાનેર અને મધ્ય પ્રદેશના ભોપાલ-ઇન્દોરમાં તેજ આંધી સાથે વરસાદ આફત બનીને તૂટી પડી શકે છે.

(11:22 PM IST)