<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

અમેરિકા-ઇરાન કરાર વચ્ચે મોટો ભડકો: ટ્રમ્પની ચેતવણી છતાં ઇઝરાયલે લેબનોન પર ઝીંક્યા ડ્રોન

વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત બાદ પણ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સૈન્યની સખત સૈન્ય કાર્યવાહી : નેતન્યાહૂએ ટ્રમ્પના પ્લાનને ફગાવી સરહદ ન છોડવાની જાહેરાત કરી

તેલ અવીવ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાન વચ્ચે મધ્ય પૂર્વમાં યુદ્ધ રોકવા માટે થયેલી ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હજી શાહી પણ સુકાઈ નથી, ત્યાં જ ઇઝરાયલે લેબનોન પર ભીષણ ડ્રોન હુમલા કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી એરફોર્સ દ્વારા એક કારને નિશાન બનાવીને કરવામાં આવેલા આ ઓપરેશનમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરીને લેબનોન પર હુમલા ન કરવા સમજાવ્યા હતા, પરંતુ ઇઝરાયલે આ સમજૂતીને સરેઆમ ફગાવી દઈને પોતાની સૈન્ય કાર્યવાહી ચાલુ રાખી છે.

ઇરાન માટે આ કરારની મુખ્ય શરત જ એ હતી કે ઇઝરાયલે લેબનોનની સાર્વભૌમત્વનું સન્માન કરવું પડશે અને ત્યાં કોઈ હુમલા કરવાના રહેશે નહીં. ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઇએ સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કરારના દસ્તાવેજોમાં 'લેબનોન' શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને અમે અમારી ગંભીરતા સાબિત કરી છે, પરંતુ ઇઝરાયલ આ યુદ્ધવિરામનો અમલ કરી રહ્યું નથી. જો કે, દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયલી સેના ક્યારે પીછેહઠ કરશે તે સવાલ પર ઇરાને મૌન સેવ્યું છે, જે આ કરારના ભવિષ્ય પર મોટા સવાલો ઉભા કરે છે.

બીજી તરફ, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝ અને વડાપ્રધાન નેતન્યાહૂએ સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF) લેબનોન, સીરિયા અને ગાઝાના સુરક્ષા ઝોનમાંથી કોઈપણ સંજોગોમાં પાછી હટશે નહીં. ઇઝરાયલી સત્તાધીશોના મતે, આ કરાર તેમની સુરક્ષાની ગેરંટી આપતો નથી, તેથી તેઓ ટ્રમ્પના દબાણ સામે ઝૂકવા તૈયાર નથી. નેતન્યાહૂ આ સોદા અંગે ગમે તે ઘડીએ સત્તાવાર નિવેદન જારી કરવાના છે, જે મધ્ય પૂર્વના આ ભયાનક યુદ્ધને એક નવા અને વધુ હિંસક વળાંક તરફ ધકેલી શકે છે.

(10:06 PM IST)