<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

અમેરિકા-ઈરાને કર્યા ડિજિટલ શાંતિ કરાર

૧૯ જૂને જીનીવામાં ઔપચારિક ડીલ પૂર્વે અમેરિકી ઉપરાષ્‍ટ્રપતિ જેડી વેન્‍સ અને ઈરાની સાંસદના અધ્‍યક્ષે કર્યા સહિ-સિક્કા : શુક્રવારે અમેરિકી ડેલિગેશનનું નેતૃત્‍વ વેન્‍સ સંભાળશેઃ શાંતિ કરારની વિગતો ઔપચારિક કરાર થયા બાદ જાહેર કરાશે

વોશિંગ્‍ટન,તા.૧૬: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે દાવો કર્યો છે કે અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્‍વરૂપ આપવામાં આવ્‍યું છે અને શુક્રવારે સ્‍વિટ્‍ઝર્લેન્‍ડના જીનીવામાં તેના પર ઔપચારિક રીતે હસ્‍તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્‍સ યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્‍વ કરશે.ન્‍યૂ યોર્ક ટાઈમ્‍સ અનુસાર, એક અમેરિકન અધિકારીએ જણાવ્‍યું હતું કે ટ્રમ્‍પ, જે.ડી. વાન્‍સ અને ઈરાની સંસદના સ્‍પીકર મોહમ્‍મદ બાઘર ગાલિબાફે ડિજિટલી કરાર પર હસ્‍તાક્ષર કર્યા હતા. જોકે, કરારનો સંપૂર્ણ ડ્રાફટ હજુ સુધી જાહેર કરવામાં આવ્‍યો નથી. ટ્રમ્‍પે જણાવ્‍યું હતું કે દસ્‍તાવેજ શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવશે.

મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્‍યો છે કે બંને દેશો વચ્‍ચે ૧૪-મુદ્દાનો પ્રારંભિક ડ્રાફટ તૈયાર કરવામાં આવ્‍યો છે, જેની ટેકનિકલ સ્‍તરે વધુ ચર્ચા કરવામાં આવશે. કેટલાક અહેવાલો અનુસાર, ઈરાનને આશરે રૂ.૨૮ લાખ કરોડ (આશરે રૂ.૨૮ લાખ કરોડ) નું આર્થિક સહાય પેકેજ મળી શકે છે, જોકે આની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

મિડલ ઈસ્‍ટમાં હવે શાંતિના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે છેલ્‍લાં લગભગ ચાર મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્‍ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધનો અંત લાવવા માટે બંને દેશો વચ્‍ચે એક અત્‍યંત મહત્‍વપૂર્ણ સહમતિ સધાઈ હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, અમેરિકન અધિકારીઓએ જણાવ્‍યું હતું કે યુએસ અને ઈરાન વચ્‍ચે યુદ્ધવિરામ અને હોર્મુઝની સામુદ્રધુની ફરી ખુલ્‍લી કરવા માટે એક પ્‍ંશ્‍ પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા છે. આ કરાર પર અમેરિકા તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્‍સ, જ્‍યારે ઈરાન તરફથી ત્‍યાંની સંસદના સ્‍પીકર મોહમ્‍મદ બાગેર કાલીબાફે ડિજિટલી સહી કરી છે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે હવે આગામી શુક્રવારે આ ડીલ માટે એક ઔપચારિક અને ભવ્‍ય હસ્‍તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે, જે બાદ આગામી ૨૪ થી ૪૮ કલાકમાં આ કરારની તમામ વિગતો સંપૂર્ણ પારદર્શિતા સાથે જાહેર જનતા માટે ઉપલબ્‍ધ કરાશે.

ઉલ્‍લેખનીય છે કે આ સહમતિના ભાગરૂપે વૈશ્વિક તેલ વ્‍યાપાર માટે સૌથી મહત્‍વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્‍ટ્રેટને તબક્કાવાર રીતે ફરી શરૂ કરી દેવામાં આવ્‍યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્‍પે ફ્રાન્‍સના રાષ્ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોન સાથેની G-૭ બેઠક દરમિયાન જણાવ્‍યું હતું કે,  દરિયાઈ સુરંગો (Mines) શોધવાનું કામ ચાલી રહ્યું છે અને શુક્રવાર સુધીમાં આ આખો રૂટ સંપૂર્ણપણે ખુલ્‍લો થઈ જશે, જેના કારણે જહાજોની અવરજવર સામાન્‍ય થઈ જશે. જોકે  અધિકારીઓએ સ્‍પષ્ટતા કરી છે કે આ માર્ગ પર ટ્રાફિકને સંપૂર્ણપણે પૂર્વવત થવામાં ઓછામાં ઓછો બે અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

ઉલ્‍લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સંયુક્‍ત હુમલા બાદ શરૂ થયેલા આ વિનાશક યુદ્ધમાં અત્‍યાર સુધી હજારો લોકોએ જીવ ગુમાવ્‍યા છે. આ વૈશ્વિક તણાવ વચ્‍ચે ઈરાનના સર્વોચ્‍ચ નેતા મોજતબા ખામેનેઈની સહી ન હોવા અંગે અમેરિકી અધિકારીઓએ સ્‍પષ્ટ કર્યું છે કે વર્ષ ૨૦૧૫ના પરમાણુ કરાર વખતે પણ સુપ્રીમ લીડર સહીઓ નથી કરતા તેથી તેમની સહી ન હોવી તે કોઈ ચિતાનો વિષય નથી. જોકે આ શાંતિ કરાર ભવિષ્‍યમાં કેટલો ટકશે તેનો મુખ્‍ય આધાર લેબનોનમાં હિસાના કાયમી અંત પર રહેલો છે. આ સાથે જ તેહરાનના પરમાણુ કાર્યક્રમ અંગેની મુખ્‍ય વાટાઘાટો હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હોવાથી નિષ્‍ણાતો હજુ પણ આ ડીલ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

(10:38 AM IST)