<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

પુણેમાં હૃદયદ્રાવક ઘટના : પ્રેમીએ સામાન્ય ઝઘડામાં પ્રેમિકાને નહેરના ઊંડા પાણીમાં ફેંકી દીધી:પોતે પણ પાણીમાં કૂદ્યો:સ્થાનિકો બચાવી લીધો

18 કલાકના સર્ચ ઓપરેશન બાદ યુવતીનો મૃતદેહ મળ્યો: પોલીસે હત્યારા પ્રેમી રમેશ બબન કડાલેને કસ્ટડીમાં લઈ લીધો

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મંચર નજીક નિગોટવાડી ફાટા પાસે એક પ્રેમીએ સામાન્ય ઝઘડામાં પોતાની જ પ્રેમિકાની નિર્મમ હત્યા કરી નાખી છે. આરોપી યુવકે તેની પ્રેમિકાને ડિંભે ડેમની જમણી નહેરમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ પોતે પણ પાણીમાં કૂદી પડ્યો હતો. આ ભયાનક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, રવિવારે સાંજે રમેશ બબન કડાલે નામના યુવકનો તેની પ્રેમિકા સ્વપ્નાલી ભાંગરે સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને રમેશે સ્વપ્નાલીને નહેરના ઊંડા પાણીમાં ધકેલી દીધી હતી અને પોતે પણ પાછળ કૂદ્યો હતો. આસપાસના સ્થાનિક લોકોનું ધ્યાન જતાં તેઓએ તાત્કાલિક નહેરમાંથી આરોપી રમેશ કડાલેને જીવતો બહાર કાઢી લીધો હતો, પરંતુ કમનસીબે સ્વપ્નાલી પાણીના તેજ પ્રવાહમાં વહી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ મંચર પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ નહેરમાં યુવતીની શોધખોળ માટે મોટું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ, સોમવારે આશરે 18 કલાક પછી સ્વપ્નાલી ભાંગરેનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. પોલીસે યુવતીના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તેના પરિવારમાં કમકમાટીભર્યા મોતના સમાચારથી ભારે આક્રંદ છવાઈ ગયું છે.

 

આ મામલે મંચર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા પ્રેમી રમેશ બબન કડાલેને કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસ હવે આરોપીની કડક પૂછપરછ કરી રહી છે કે બંને વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડો થયો હતો અને શું આ હત્યા પહેલેથી આયોજનબદ્ધ હતી કે કેમ. આ મામલે આગળની કાયદેસરની તપાસ ચાલુ છે.

 

(1:49 PM IST)