News of Tuesday, 16th June 2026
સમાજના કોઈ હોદ્દા માટે ચૂંટણી નહીં લડું:આગામી 6 મહિનામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરાશે : કુંવરજીભાઇ બાવળીયાની મોટી જાહેરાત
કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલ સંમેલનમાં દેશભરમાંથી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

દિલ્હી ખાતે ગત 14 જૂનના રોજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંમેલનમાં દેશભરમાંથી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશન અંગે કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે તેમણે આગામી 6 મહિનામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવા અને તેમાં યુવા-મહિલાઓને પ્રાધાન્ય આપવા અંગે જાહેરાત કરી છે.
કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, "અમે યુવાઓ અને મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે ખાસ એજન્ડા તૈયાર કર્યો છે. આગામી 6 મહિનામાં અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવશે." સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતે સમાજના કોઈ હોદ્દા માટે આગામી ચૂંટણી લડશે નહીં. વધુમાં, સમાજની વિવિધ સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે સંગઠિત થઈને નક્કર કામગીરી કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ અધિવેશનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા, રાજસ્થાનના પૂર્વ સાંસદ રંજીતાબેન કોલી સહિતના દિગ્ગજ નેતાઓ અને ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાજસ્થાન કોળી સમાજ દ્વારા કુંવરજીભાઈ બાવળિયાનું 251 ફૂટની પાઘડી પહેરાવી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
