News of Tuesday, 16th June 2026
મુંબઈમાં ૨૫ જૂન પછી થશે ચોમાસાની એન્ટ્રી
મેઘરાજા મુંબઈવાસીઓને વધુ રાહ જોવડાવવાના મુડમાં : મુંબઈકર્સને હજી વધુ ગરમી અને બફારાનો સામનો કરવો પડશેઃ શહેરમાં ચોમાસું હજી અઠવાડિયું લંબાશેઃ છેલ્લા બે દાયકામાં સૌથી સૂકો જૂન મહિનો રહેવાની આશંકા

મુંબઈ તા.૧૬: મેઘરાજા મુંબઈકર્સને જાણે તડપાવી રહ્યાં હોય તેવી પરિસ્થિતિ છે! મુંબઈમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે નૈઋત્યનું ચોમાસું હજી એક અઠવાડિયા કરતાં વધુ સમય દૂર રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ એ ફરી એકવાર ચોમાસાના આગમનની આગાહી પાછી ઠેલી છે, જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ (Skymet)એ ચેતવણી આપી છે કે મુંબઈમાં આ વર્ષે તાજેતરના ઈતિહાસનું સૌથી મોડું ચોમાસું જોવા મળી શકે છે. આ લાંબા વિલંબને કારણે પાણીના સંગ્રહ, વધતી જતી ગરમી-ભેજ અને છેલ્લા બે દાયકામાં સૌથી સૂકો જૂન મહિનો રહેવાની આશંકાથી ચિતા વધી ગઈ છે.
અગાઉ ૧૧ જૂનના રોજ ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે પヘમિ કિનારે ચોમાસાની ગતિ કામચલાઉ ધોરણે અટકી ગઈ છે અને તે ૧૫ અથવા ૧૬ જૂન સુધીમાં ફરી આગળ વધશે, જેનાથી મુંબઈમાં ૧૮ કે ૧૯ જૂન સુધીમાં વરસાદ પડી શકે છે. જો કે, થોડા દિવસો પછી આ આગાહી બદલીને જણાવવામાં આવ્યું કે ચોમાસું દક્ષિણ કોંકણ ના હરનાઈ નજીક ૨૦ જૂન સુધી સ્થિર રહેશે. હવે, આ તારીખ વધુ પાછી ઠેલવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહોપાત્રા એ જણાવ્યું છે કે મુંબઈ સહિત ઉત્તર મહારાષ્ટ્ર અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં ૨૫ જૂન સુધીમાં જ વ્યાપક ચોમાસુ વરસાદ શરૂ થવાની સંભાવના છે. જો આ આગાહી સાચી પડશે તો મુંબઈમાં ચોમાસાના સામાન્ય આગમન કરતાં આશરે ૧૫ દિવસ જેટલો વિલંબ થશે.
બીજી તરફ, સ્કાયમેટ એ વધુ ચિતાજનક ચિત્ર રજૂ કરતાં કહ્યું છે કે ચોમાસું ૨૫ જૂન પછી પણ આવી શકે છે. મુંબઈમાં તાજેતરના વર્ષોમાં સૌથી મોડું ચોમાસું ૨૫ જૂન, ૨૦૨૩ ના રોજ નોંધાયું હતું. પરંતુ આ વર્ષે વિલંબનો એ રેકોર્ડ પણ તૂટી શકે છે. જો વરસાદી ગતિવિધિઓ નહીં સુધરે, તો મુંબઈ છેલ્લા બે દાયકા (૨૦ વર્ષ)માં તેના સૌથી સૂકા જૂન મહિનાનો સામનો કરી શકે છે.
ચોમાસામાં થઈ રહેલા આ વિલંબની સીધી અસર હવે મહારાષ્ટ્રના જળાશયો અને ડેમોમાં પાણીના સંગ્રહ પર દેખાવા લાગી છે. સત્તાવાર માહિતી અનુસાર, ૧૫ જૂન સુધીમાં મુંબઈને પાણી પૂરું પાડતા સાત મુખ્ય તળાવોમાં તેમની કુલ ક્ષમતાના માત્ર ૧૦.૭૨ ટકા જ પાણી બચ્યું છે.
સમગ્ર રાજ્યની વાત કરીએ તો, ૩,૦૨૮ ડેમ પ્રોજેક્ટ્સમાં પાણીનો સંગ્રહ ૧૫ જૂન સુધીમાં ૨૪.૫૩ ટકા નોંધાયો છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં ૩૦.૭૮ ટકા હતો.
ચોમાસાના નબળા પ્રદર્શન અને પાણીની અછતને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારએ વહીવટીતંત્રને ૩૧ ઓગસ્ટ સુધી પીવાના પાણી પુરવઠાને પ્રાથમિકતા આપવા અને આગામી અઠવાડિયામાં પાણીનું વ્યવસ્થાપન અત્યંત કાળજીપૂર્વક કરવા નિર્દેશ આપ્યો છે.
મુંબઈમાં હાલના દિવસોમાં વાદળછાયું વાતાવરણ, અસહ્ય ભેજ અને ક્યાંક હળવા ઝાપટાં જોવા મળી રહ્યા છે, પરંતુ હવામાન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્થાનિક વરસાદ છે અને તેને ચોમાસાનું સત્તાવાર આગમન ગણી શકાય નહીં.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
