તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
જમ્મુ-કાશ્મીરમાં નશા સામે મોટી કાર્યવાહી: છેલ્લા 2 મહિનામાં 700થી વધુ ડ્રગ તસ્કરોની ધરપકડ, 45 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરીને પોલીસ અને સુરક્ષા દળોએ તોડ્યું ડ્રગ નેટવર્ક
‘નશા મુક્ત જમ્મુ-કાશ્મીર’ અભિયાન હેઠળ સઘન દરોડા; હેરોઇન, ગાંજો અને અન્ય માદક પદાર્થોના મોટા જથ્થા સાથે ડ્રગ માફિયાઓના મકાનો બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા, યુવા પેઢીને બચાવવાનો સંકલ્પ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર, તા. 16 : જમ્મુ-કાશ્મીરમાં યુવા પેઢીને નશાના જાળમાંથી બચાવવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ છેલ્લા 2 મહિનામાં સઘન અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાન હેઠળ મોટી સફળતા હાંસલ કરી છે. ‘નશા મુક્ત જમ્મુ-કાશ્મીર’ અભિયાન હેઠળ ખીણના વિવિધ જિલ્લાઓમાં દરોડા પાડીને 700થી વધુ ડ્રગ તસ્કરો અને પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન હેરોઇન, ગાંજો, બ્રાઉન સુગર અને અન્ય માદક પદાર્થોના મોટા જથ્થા પણ જપ્ત કર્યા છે. માત્ર ડ્રગ જપ્તી જ નહીં પરંતુ ડ્રગના પૈસાથી બનાવેલી ગેરકાયદે સંપત્તિ પર પણ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે જેમાં ડ્રગ તસ્કરોના મકાનો, દુકાનો અને વાહનો સામેલ છે. સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમોએ સરહદી વિસ્તારો અને સંવેદનશીલ જગ્યાઓ પર ખાસ નજર રાખીને ડ્રગની હેરાફેરી રોકવા માટે ચેકિંગ અભિયાન તેજ બનાવ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી થતી ડ્રગની ઘૂસણખોરીને રોકવા માટે સરહદ પર સર્વેલન્સ વધારવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને પણ નશા વિરુદ્ધ જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીને નશાના રવાડે ચડતા અટકાવવાનો અને ખીણમાંથી ડ્રગના નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ડ્રગના ધંધામાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આ પ્રકારની સઘન કાર્યવાહી સત ચાલુ રહેશે જેથી જમ્મુ-કાશ્મીરને નશા મુક્ત બનાવી શકાય.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
