News of Tuesday, 16th June 2026
કેરળમાં જીવલેણ નિપાહ વાયરસની વાપસીથી ભારે ફફડાટ: પ્રભાવિત વિસ્તારોમાં 'હાઈ એલર્ટ' જાહેર :77 લોકો તબીબી નિરીક્ષણ હેઠળ
કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસનો એક નવો પોઝિટિવ કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે હરકતમાં

કેરળમાં જીવલેણ નિપાહ વાયરસના પુનરાગમનને પગલે સમગ્ર રાજ્યમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાયરસનો એક નવો પોઝિટિવ કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે. વાયરસના ફેલાવાને રોકવા માટે સરકારે તાત્કાલિક અસરથી સમગ્ર રાજ્યમાં, ખાસ કરીને પ્રભાવિત વિસ્તારોમાં 'હાઈ એલર્ટ' જાહેર કરી દીધું છે.
આરોગ્ય સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ નિપાહ સંક્રમિત જોવા મળી છે, તેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત દર્દીના સીધા અથવા આડકતરા સંપર્કમાં આવેલા અંદાજે 77 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. આ તમામ લોકોને કડક તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે જેથી સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય.
કેરળ માટે નિપાહ વાયરસ કોઈ નવો પડકાર નથી. વર્ષ 2018 માં જ્યારે પહેલીવાર કેરળમાં નિપાહ વાયરસ ફાટી નીકળ્યો હતો, ત્યારે તેણે ભારે તબાહી મચાવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ 6ઠ્ઠી વખત છે જ્યારે કેરળમાં નિપાહ વાયરસે ફરી માથું ઊંચક્યું છે. વારંવાર વકરતી આ બીમારીને કારણે સ્થાનિક લોકો અને આરોગ્ય નિષ્ણાતો બંનેની ચિંતામાં મોટો વધારો થયો છે.
નિપાહ વાયરસને વિશ્વના સૌથી ખતરનાક વાયરસોમાંથી એક ગણવામાં આવે છે કારણ કે તેમાં મૃત્યુ દર ખૂબ જ વધારે છે. નિષ્ણાતોના મતે, આ વાયરસથી સંક્રમિત થતા દર્દીઓમાં મૃત્યુની સંભાવના 40 થી લઈને 75 ટકા સુધીની હોઈ શકે છે. આ વાયરસ ચામાચીડિયા દ્વારા ફેલાય છે અને ત્યારબાદ તે માણસથી માણસમાં સંક્રમિત થઈ શકે છે. હજુ સુધી આ વાયરસની કોઈ ચોક્કસ રસી કે સચોટ સારવાર ન હોવાથી સાવચેતી અને વહેલું નિદાન જ બચાવનો એકમાત્ર રસ્તો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ લોકોને ગભરાવાને બદલે સાવચેત રહેવા, અડધા ખાધેલા ફળો ન ખાવા અને તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
