<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ટ્રમ્પનો નેતન્યાહૂ પર ‘પાવર પંચ’: "હિઝબુલ્લાહને હરાવવામાં ઇઝરાયલ કરતાં સીરિયા વધુ પાવરફુલ સાબિત થશે"

જી-૭ સમિટમાં ટ્રમ્પે ઇઝરાયલના સૈન્ય એક્શન સામે આક્રોશ વ્યક્ત કર્યો અને ચેતવણી આપી કે જો યુએસનો સપોર્ટ ન હોત તો ઇઝરાયલનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ ગયું હોત

નવી દિલ્હી :  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં યોજાયેલી જી-૭ સમિટ દરમિયાન એક સનસનાટીભર્યું નિવેદન આપીને પશ્ચિમ એશિયાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. લેબનોનમાં ઇઝરાયલની કઠોર મિલિટરી એક્શન સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની રણનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા. કતારના અમીર સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કટાક્ષ કર્યો કે, "માત્ર એક જ વ્યક્તિને પકડવા માટે દર વખતે આખી એપાર્ટમેન્ટ બિલ્ડિંગ તોડી પાડવી યોગ્ય નથી, કારણ કે ત્યાં રહેતા તમામ લોકો હિઝબુલ્લાહના નથી. જો ઇઝરાયલ નિર્દોષ નાગરિકોના જીવ લીધા વિના આ લડાઈ ન લડી શકતું હોય, તો હિઝબુલ્લાહ સાથે વ્યવહાર કરવાનું કામ સીરિયાને સોંપી દેવું જોઈએ, તેઓ ઇઝરાયલ કરતાં પણ વધુ સારી ભૂમિકા ભજવી શકે છે."

અમેરિકા અને ઇરાન વચ્ચે પરમાણુ હથિયારો પર પ્રતિબંધ અને આર્થિક પ્રતિબંધો હળવા કરવા માટે શુક્રવારે સ્વિટ્ઝર્લૅન્ડમાં એક ઐતિહાસિક સમજૂતી પત્ર (MoU) પર હસ્તાક્ષર થવાના છે, જેની બરાબર પહેલાં ઇઝરાયલે બૈરુત પર વેરવિખેર હુમલા કર્યા હતા. ટ્રમ્પે જણાવ્યું કે શાંતિ વાટાઘાટો સાવ નજીક હોવા છતાં આ પ્રકારના હુમલા તેમને બિલકુલ પસંદ નથી આવ્યા અને આ કડક વલણથી પ્રદેશમાં તણાવ ઓછો કરવાની આખી પ્રક્રિયા લગભગ પાટા પરથી ઉતરી ગઈ હોત. ટ્રમ્પે નેતન્યાહૂ સરકારને તેમની મર્યાદાઓ યાદ અપાવતા અત્યંત કડક શબ્દોમાં કહ્યું કે, "અમેરિકા અને મારા ટેકા વિના આજે ઇઝરાયલનું કોઈ અસ્તિત્વ ન હોત, તે ક્યારનુંય નકશામાંથી ગાયબ થઈ ગયું હોત."

જોકે, આટલા તીખા પ્રહારો છતાં ટ્રમ્પે મુત્સદ્દીગીરી જાળવી રાખતા સ્પષ્ટ કર્યું કે નેતન્યાહૂ સાથે તેમના અંગત સંબંધોમાં કોઈ ખટાશ નથી આવી અને બંને વચ્ચે હજુ પણ ખૂબ સારા સંબંધો છે. બૈરુતમાં તાજેતરમાં થયેલા ઇઝરાયલી હુમલામાં ત્રણ નિર્દોષ લોકોના મોત અને છ લોકોના ઘાયલ થવાની ઘટનાને તેમણે 'અતિશય કઠોર' ગણાવી હતી. હવે જ્યારે આ શુક્રવારે યુએસ-ઇરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) ફરીથી ખોલવા માટે મોટો કરાર થવા જઈ રહ્યો છે, ત્યારે ટ્રમ્પનું સીરિયાને આગળ ધરીને ઇઝરાયલને બેકફૂટ પર લાવવાનું આ નિવેદન સમગ્ર મધ્ય-પૂર્વની રાજનીતિને એક નવો વળાંક આપી શકે છે.

(7:51 PM IST)