<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

પરમાણુ સુરંગોમાં વિસ્ફોટકોની જાળ: ઈરાને યુરેનિયમ ભંડારને બનાવ્યો 'ડેથ ટ્રેપ' : ટ્રમ્પના જપ્તીના પ્લાન પર આફત

શાંતિ કરારની વાટાઘાટો વચ્ચે ઇસ્ફહાન પરમાણુ સંકુલની ગુપ્ત ટનલોને સીલ કરી પ્રવેશદ્વાર પર બિછાવી દેવાઈ લેન્ડમાઇન્સ : યુએસ સેનાનું જપ્ત ઓપરેશન જોખમમાં મુકાતાં મધ્ય-પૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

વોશિંગ્ટન:  મધ્ય-પૂર્વ એશિયામાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચોંકાવી દેનારો વળતો પ્રહાર કર્યો છે.  અહેવાલ મુજબ, ઈરાને તેના સૌથી સંવેદનશીલ અને અત્યંત સમૃદ્ધ યુરેનિયમ ભંડારને એક અભેદ્ય 'ડેથ ટ્રેપ' (મૃત્યુની જાળ) માં ફેરવી દીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર કરારની શરતો મુજબ આ પરમાણુ સામગ્રી અમેરિકાને સોંપવાનો આગ્રહ રાખી રહ્યું હતું અને તેને જપ્ત કરવાની યોજના ઘડી રહ્યું હતું. પરંતુ તેના જવાબમાં ઈરાને તેના મુખ્ય પરમાણુ સ્થળો તરફ જતી તમામ ગુપ્ત સુરંગોને સંપૂર્ણપણે સીલ કરી દીધી છે અને તેના પ્રવેશ બિંદુઓ પર ઘાતક વિસ્ફોટક માઇન્સ (ખાણો) બિછાવી દીધી છે, જેથી કોઈ પણ સૈન્ય માટે ત્યાં પહોંચવું અશક્ય બને.

આ સૈન્ય ગતિવિધિઓના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત નાજુક વળાંક પર આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને તેના યુરેનિયમનો મોટો હિસ્સો મધ્ય ઈરાનમાં આવેલા અત્યંત સુરક્ષિત ઇસ્ફહાન પરમાણુ સંકુલ અને અન્ય ગુપ્ત ભૂગર્ભ સુવિધાઓમાં છુપાવી રાખ્યો છે. ગત મે મહિનામાં જ યુએસ સૈન્ય આ પરમાણુ મથકો પર ઓપરેશન હાથ ધરીને સામગ્રી જપ્ત કરવાની તૈયારીમાં હતું, પરંતુ ઈરાન દ્વારા સુરંગોમાં ગોઠવવામાં આવેલા ઘાતક લેન્ડમાઇન્સના જોખમોને કારણે છેલ્લી ઘડીએ આ સૈન્ય મિશનને મંજૂરી આપવામાં આવી ન હતી. ઈરાનની આ કઠોર કિલ્લાબંધીએ ટ્રમ્પ પ્રશાસનની વ્યૂહરચના પર પાણી ફેરવી દીધું છે.

આ નવો ગતિરોધ એવા સમયે સામે આવ્યો છે જ્યારે બંને દેશો હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) ફરીથી ખોલવા અને ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હળવા કરવાના શાંતિ કરારની સાવ નજીક હોવાનો દાવો કરી રહ્યા હતા. યુએસ વાટાઘાટકારો આશાવાદી હતા કે ઈરાન પોતાનું સમૃદ્ધ યુરેનિયમ અમેરિકાને સોંપશે જેને દેશની બહાર લઈ જઈને નષ્ટ કરવામાં આવશે, પરંતુ ઈરાનની આ સૈન્ય કાર્યવાહીથી શરતો વધુ ગૂંચવાઈ ગઈ છે. રક્ષણાત્મક નિષ્ણાતોનું માનવું છે કે હવે આ ટનલોમાંથી વિસ્ફોટકો હટાવીને યુરેનિયમ બહાર કાઢવું એ અમેરિકા માટે અતિશય મુશ્કેલ અને મોટો તકનીકી પડકાર છે, જેના કારણે હવે વૈશ્વિક મંચ પર ટ્રમ્પ ઈરાન સામે કેવું કડક પગલું ભરે છે તેના પર સમગ્ર દુનિયાની નજર મંડાયેલી છે.

(8:32 PM IST)