News of Tuesday, 16th June 2026
ઈરાની તકનીકનો ઉપયોગ કરીને અમેરિકાનું 'સીક્રેટ ઓઈલ ઓપરેશન': હોર્મુઝ સ્ટ્રેટમાં 90 મિલિયન બેરલ તેલની હેરફેર માટે અદ્યતન 'પ્લેબુક'નો ઉપયોગ
સશસ્ત્ર ડ્રોન, જહાજથી જહાજમાં તેલની ટ્રાન્સફર અને છૂપા માર્ગો: સંઘર્ષની સ્થિતિમાં વૈશ્વિક ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે અમેરિકાએ અપનાવ્યો ઈરાનનો જ અંદાજ

વોશિંગ્ટન : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે એક આશ્ચર્યજનક ખુલાસો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનના આક્રમક વલણને કારણે વૈશ્વિક તેલ પરિવહન લગભગ ઠપ થઈ ગયું હતું, પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે અમેરિકાએ ઈરાનને પછાડવા માટે તેની જ 'પ્લેબુક' (વ્યૂહરચના) નો ઉપયોગ કર્યો છે. ઈરાન જે રીતે પ્રતિબંધોથી બચવા માટે વર્ષોથી ગુપ્ત રીતે તેલની હેરફેર કરતું આવ્યું છે, તે જ તકનીકનો ઉપયોગ કરીને અમેરિકા અત્યાર સુધીમાં 90 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલની સલામત હેરફેર કરી ચૂક્યું છે.
શું છે આ ગુપ્ત 'શિપ-ટુ-શિપ' ઓપરેશન?
રોઇટર્સના અહેવાલ મુજબ, આ ઓપરેશનમાં જહાજથી જહાજમાં તેલનું ટ્રાન્સફર, રક્ષક તરીકે સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ અને રાત્રિના સમયે લાઇટો બંધ રાખીને કરવામાં આવતી શટલિંગ પદ્ધતિનો સમાવેશ થાય છે. મે મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 92 થી વધુ જહાજો આ પ્રક્રિયામાં સામેલ થયા છે. મુખ્યત્વે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ અને ઓમાનના સોહર કિનારે આ હેરફેર માટેના બે મુખ્ય બિંદુઓ નક્કી કરવામાં આવ્યા હતા.
સલામતીના અભેદ્ય કવચ હેઠળ પરિવહન:
ટ્રાન્સફર દરમિયાન ટેન્કરો તેમના ટ્રાન્સપોન્ડર્સ બંધ કરી દેતા અને અંધારામાં પોતાની લાઇટો ઝાંખી કરી લેતા, જેથી દુશ્મન દેશોની નજરમાંથી બચી શકાય. 11 જૂનના રોજ સેટેલાઇટ છબીઓમાં એકસાથે 17 જોડી જહાજો તેલનું ટ્રાન્સફર કરતા જોવા મળ્યા હતા. અહેવાલો મુજબ, આ ઓપરેશન પર અમેરિકી સૈન્યની સતત નજર રહેતી હતી અને રક્ષણ માટે સશસ્ત્ર ડ્રોન અને હેલિકોપ્ટર્સ તૈનાત રહેતા હતા. આ પ્રકારના સામૂહિક ઓપરેશનને કારણે ઇરાની નાકાબંધી હોવા છતાં આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પેટ્રોલિયમ ઉત્પાદનો પહોંચાડવાનું શક્ય બન્યું છે.
અપાચે હેલિકોપ્ટર અને તેલ ટ્રાન્સફરનું રહસ્ય:
તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં જે યુએસ આર્મીનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હતું, તે પણ આ ઓઈલ ટ્રાન્સફર મિશન સાથે જોડાયેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચાર વિવિધ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે હેલિકોપ્ટર તેલની હેરફેરના રક્ષણ માટે તૈનાત હતું. ઈરાને તેને અકસ્માત ગણાવ્યો હતો, પરંતુ તે આ ઘટનાના દિવસે જ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ટેન્કરો એકત્ર થયા હતા.
વૈશ્વિક વેપાર માટે આશાનું કિરણ:
જોકે આ 90 મિલિયન બેરલનો જથ્થો યુદ્ધ પહેલાના દૈનિક સરેરાશ જથ્થા કરતા ઓછો છે, પરંતુ આ ઓપરેશને વૈશ્વિક બજારમાં તેલની અછતને રોકવામાં મોટી ભૂમિકા ભજવી છે. હવે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હોર્મુઝ સામુદ્રધુની હવે ફરીથી વૈશ્વિક વેપાર માટે ખોલી દેવામાં આવશે. આ નિર્ણય વિશ્વભરના તેલ બજારો માટે ખૂબ જ રાહતના સમાચાર છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
