કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કેન્દ્ર સરકારનો સૌથી મોટો અને ઐતિહાસિક સુધારો : એક જ વર્ષમાં ૫ કે તેથી વધુ વખત ટ્રાફિક ચલણ ફાટશે તો વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાશે
સમયસર ઈ-ચલણની રકમ નહીં ભરાય તો 'વાહન પોર્ટલ' પર વાહનને તાત્કાલિક બ્લોક કરી 'નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ' શ્રેણીમાં મૂકાશે : વાહનચાલકોને ઈ-ચલણ સામે સત્તાવાર વાંધો કે ફરિયાદ નોંધાવવા માટે ૪૫ દિવસની આખરી સમયમર્યાદા મળશે

ગાંધીનગર:વાહનચાલકો દ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને રોકવા અને માર્ગ સલામતીને વધુ સુદ્રઢ બનાવવા માટે ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કેન્દ્રીય સુધારાઓ અન્વયે ઈ-ચલણ અંગે વાહનચાલકો તથા વાહન માલિકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયા, દંડની રકમ ભરપાઈ કરવાની આખરી મુદત તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્શન અંગેની કાયદાકીય જોગવાઈઓ અગાઉ કરતાં વધુ કડક અને ચુસ્ત બનાવી દેવામાં આવી છે. નવા નિયમો લાગુ થતાં જ વાહનચાલકોમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે.
૪૫ દિવસમાં ફરિયાદ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે, બાદમાં ચૂકવણી માટે ૩૦ દિવસ મળશે:
કેન્દ્રીય મોટર વાહન નિયમોની નવી જોગવાઈઓ મુજબ, જો કોઈ પણ વાહનચાલક કે માલિકને પોતાના વાહન પર ઈશ્યુ થયેલા ઈ-ચલણ સામે કોઈ વાંધો, ટેકનિકલ ભૂલ કે અન્ય રજૂઆત હોય, તો ચલણ જનરેટ થયાની તારીખથી ૪૫ દિવસની નિયત સમયમર્યાદામાં 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરવાની તક આપવામાં આવશે. જો ચલણ ઈશ્યુ થયાના ૪૫ દિવસની અંદર કોઈ પણ પ્રકારની વહીવટી કે કાયદાકીય ફરિયાદ નોંધાવવામાં નહીં આવે, તો પ્રશાસન દ્વારા એવું માની લેવામાં આવશે કે વાહન માલિક અથવા ડ્રાઇવર દ્વારા તે ચલણનો સ્વીકાર કરી લેવાયો છે. ચલણ સ્વીકૃતિના આ દિવસથી આગામી ૩૦ દિવસની અંદર વાહનચાલકે દંડની રકમની પૂર્તિ ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે.
નિયત સમયમાં દંડ નહીં ભરો તો વાહન પોર્ટલ પર સેન્ટ્રલ બ્લોકિંગ કરાશે: સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ ઠપ થશે:
નવા નિયમો હેઠળ જો કોઈ વાહનચાલક નિર્ધારિત સમયમર્યાદામાં ઈ-ચલણની રકમ ભરવામાં નિષ્ફળ જશે, તો જ્યાં સુધી દંડની પૂરેપૂરી રકમ ભરપાઈ ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારના 'વાહન પોર્ટલ' પર સંબંધિત વાહનને "Not to be transacted" એટલે કે, સત્તાવાર બ્લોકની શ્રેણીમાં મૂકી દેવામાં આવશે. આ કડક સ્થિતિમાં, મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ ઓનલાઈન અને ઓફલાઈન સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયા, આર.સી. બુક અથવા વાહન ટ્રાન્સફર સંબંધિત અન્ય કોઈ પણ વહીવટી અરજીઓ પર તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકશે નહીં.
ફરિયાદ નકારવામાં આવે તો અપીલ માટે ૫૦% રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવી પડશે:
નવા સુધારામાં એવી પણ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જો ફરિયાદ નિવારણ સત્તાધિકારી દ્વારા વાહનચાલકની રજૂઆત કે વાંધાને નકારી કાઢવામાં આવે, તો તેવા કિસ્સામાં ચાલકે ત્યારબાદના ૩૦ દિવસમાં ચલણની પૂરેપૂરી રકમ ભરવી પડશે. જો વાહનચાલક કોર્ટ સમક્ષ અપીલ કરવા ઈચ્છતો હોય, તો તેણે ચલણની કુલ રકમના ૫૦% રકમ ઈ-ચલણ પોર્ટલ પર ડિપોઝિટ તરીકે ફરજિયાત જમા કરાવીને આગળ વધવાનું રહેશે. જો આ બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયા કરવામાં ન આવે, તો ચલણ આપોઆપ સ્વીકૃત માની લેવાશે અને ૧૫ દિવસમાં રકમ ચૂકવવી પડશે. આવું ન કરનાર વાહનને પણ તુરંત “વાહન પોર્ટલ” પર "Not to be transacted" તરીકે બ્લોક કરી દેવાશે.
એક જ વર્ષમાં ૫ ચલણ ફાટશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ ગુમાવવું પડશે, ગુજરાત સરકાર દ્વારા ચુસ્ત પાલન કરવા અનુરોધ:
નવા સુધારાની સૌથી કડક જોગવાઈ અનુસાર, જો કોઈ એક જ વાહન માલિક અથવા ડ્રાઇવરને એક જ નાણાકીય વર્ષમાં ૫ કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવશે, તો તે વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ કડક કાયદાઓ અન્વયે ગુજરાતના તમામ વાહનચાલકોને મોટી કાયદાકીય ગૂંચવણોથી બચવા, વાહન બ્લોક થતું અટકાવવા અને લાઇસન્સ સસ્પેન્શન જેવી ગંભીર અડચણોથી દૂર રહેવા માટે ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને બાકી રહેલા તમામ ઈ-ચલણ સમયસર નિયત સરકારી પોર્ટલ પર ભરી દેવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નમ્ર અને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
