હવે હવાઈ મુસાફરી થશે વધુ સસ્તી: એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક રૂટ પર લોન્ચ કરી નવી 'બેઝિક ફેર' શ્રેણી, જાણો તમારા ખિસ્સા પર કેવી થશે અસર
કિંમત પ્રત્યે સભાન મુસાફરો માટે ખાસ ઓફર: ભોજન વગરની ટિકિટ પસંદ કરીને બચાવો પૈસા, ફ્લાઈટ દરમિયાન ભોજનનો ઓપ્શન પણ ઉપલબ્ધ

નવી દિલ્હી: સામાન્ય માણસના બજેટમાં હવાઈ મુસાફરીને વધુ સરળ બનાવવાના હેતુથી એર ઈન્ડિયાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એરલાઈને પસંદગીના ડોમેસ્ટિક રૂટ પર 'બેઝિક' (મૂળભૂત) ભાડાની નવી કેટેગરી રજૂ કરી છે. આ નવી પહેલ ખાસ કરીને એવા પ્રવાસીઓ માટે છે જેઓ ઓછી કિંમતે મુસાફરી કરવા માંગે છે અને વધારાની સેવાઓ માટે વધારાનો ખર્ચ કરવા માંગતા નથી.
શું છે આ 'બેઝિક ફેર' ની ખાસિયત?
નવી 'બેઝિક' ભાડા શ્રેણીમાં મુસાફરોને 15 કિલો ચેક્ડ બેગેજ અને 7 કિલો કેબિન બેગેજની મંજૂરી મળશે, પરંતુ તેમાં ટિકિટ સાથે મફત ભોજન સામેલ કરવામાં આવશે નહીં. એરલાઈનના જણાવ્યા અનુસાર, આ 'અનબંડલ્ડ' સર્વિસ છે, જેના કારણે ટિકિટના દરમાં ઘટાડો થશે. જોકે, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા, જે મુસાફરો બેઝિક ટિકિટ બુક કરાવશે, તેઓ પ્રસ્થાનના 24 કલાક પહેલા વધારાના ચાર્જ સાથે ભોજન ઓર્ડર કરી શકશે.
ટિકિટ બુકિંગમાં વધશે વિકલ્પો:
એર ઈન્ડિયાની આ નવી શ્રેણી અગાઉથી ચાલતી 'વેલ્યુ', 'ક્લાસિક' અને 'ફ્લેક્સ' ભાડાની શ્રેણીઓ ઉપરાંતનો એક વધારાનો વિકલ્પ છે. મુસાફરો પોતાની જરૂરિયાત મુજબ આ ચારમાંથી કોઈપણ શ્રેણી પસંદ કરી શકે છે. જો કોઈ પ્રવાસી ફ્લાઈટમાં ફેરફાર કરે છે, તો અગાઉ ખરીદેલું ભોજન કાં તો નવી ફ્લાઈટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અથવા જો ઉપલબ્ધ ન હોય તો રિફંડ આપવામાં આવશે.
ટ્રાયલ તબક્કો અને ભાવિ યોજના:
હાલમાં એર ઈન્ડિયા આ સુવિધા પસંદગીના સ્થાનિક રૂટ પર ટ્રાયલ તરીકે શરૂ કરી રહી છે. કંપની ગ્રાહકોના પ્રતિભાવો અને પ્રતિસાદનું નજીકથી નિરીક્ષણ કરશે અને તે મુજબ સમગ્ર દેશમાં આ સેવા લાગુ કરવાનો નિર્ણય લેશે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે એર ઈન્ડિયા ગ્રાહકોને વધુ સુગમતા આપવા અને સ્પર્ધાત્મક બજારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે સતત પ્રયત્નશીલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
