<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ભારતમાં આવતા દરેક આંતરરાષ્ટ્રીય મુસાફરે પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અને ટ્રાવેલ હિસ્ટ્રી ઓનલાઈન પોર્ટલ પર આપવી જરૂરી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને આઈજીઆઈ એરપોર્ટ દ્વારા 'એર સુવિધા 2.0' પોર્ટલ લોન્ચ

જો વિદેશ પ્રવાસથી ભારત પરત ફરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. તાજેતરમાં આફ્રિકી દેશોમાં ઇબોલા વાયરસના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને આઈજીઆઈ (IGI) એરપોર્ટ દ્વારા 'એર સુવિધા 2.0' પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ઇબોલા ફેલાવાને ઈન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યા બાદ ભારત સરકારે સુરક્ષાના ભાગરૂપે આ ડિજિટલ પોર્ટલ શરૂ કર્યું છે. આ એક કોન્ટેક્ટલેસ હેલ્થ સેલ્ફ-ડિક્લેરેશન પોર્ટલ છે, જે ભારત આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ફરજિયાત છે.

 

હવેથી, ભારત આવતા દરેક આંતરરાષ્ટ્રીય મુસાફરે ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવતા પહેલા પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અને છેલ્લા 21 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી ઓનલાઈન પોર્ટલ પર આપવાની રહેશે. આ વિગતો ભરવાથી એરપોર્ટ પર કોઈ પણ પ્રકારનું ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં, જેથી પ્રવાસીઓનો કિંમતી સમય બચશે અને પ્રક્રિયા વધુ સરળ બનશે.

 

ઓનલાઈન ફોર્મ: મુસાફરો ભારત પહોંચવાના 24 કલાક પહેલા ગમે ત્યારે આ ફોર્મ ભરી શકે છે.

ક્યારે ભરવું: એરપોર્ટ પર હેરાનગતિ ટાળવા માટે, મુસાફરોએ ફ્લાઇટમાં બોર્ડિંગ કરતા પહેલા અથવા વેબ ચેક-ઈન દરમિયાન જ આ ફોર્મ ભરી લેવું જોઈએ.

કેવી રીતે બતાવવું: એરપોર્ટ પર ઉતર્યા બાદ, તમારા ફોનમાં ડાઉનલોડ કરેલું સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ (SDF) ઇન્ટરનેશનલ ટ્રાવેલ હેલ્થ ડેસ્ક અથવા ઇમિગ્રેશન કાઉન્ટર પર બતાવવાનું રહેશે.

જેવા તમે પોર્ટલ પર માહિતી સબમિટ કરશો, તે તરત જ એરપોર્ટ હેલ્થ ઓફિસર, બ્યુરો ઓફ ઇમિગ્રેશન અને રાજ્યના સંબંધિત અધિકારીઓ પાસે પહોંચી જશે. આનાથી જોખમ ધરાવતા મુસાફરોની સમયસર ઓળખ કરી શકાશે અને સ્વાસ્થ્ય સુરક્ષાનું પાલન સરળ બનશે.

તમારા પ્રવાસને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે, ફ્લાઇટ પકડતા પહેલા જ આ ડિજિટલ ફોર્મ ભરી લેવું હિતાવહ છે.

(12:50 AM IST)