<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

રામ મંદિર અને બદ્રીનાથ બાદ હવે બગલામુખી મંદિરમાં ચોરીથી હોબાળો

તપાસ માટે હાઈલેવલ કમિટી ગઠિતઃ નાણાકીય હેરાફેરીના ગંભીર આરોપો

 

 

નવી દિલ્‍હી, તા.૮: દેશના પવિત્ર ધાર્મિક સ્‍થળો પર ભક્‍તોની અતૂટ આસ્‍થા સાથે ખિલવાડ થતો હોય તેમ ઉત્તર પ્રદેશના અયોધ્‍યા રામ મંદિર અને ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ બાદ હવે મધ્‍ય પ્રદેશના વિશ્વ વિખ્‍યાત મા બગલામુખી મંદિરમાં દાન અને પ્રસાદની રકમ ખાનગી ખાતામાં ટ્રાન્‍સફર કરવાનું મોટું નાણાકીય કૌભાંડ સામે આવતા ભારે રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે.

મધ્‍ય પ્રદેશના અગર-માલવા જિલ્લાના નાલખેડા સ્‍થિત લાખો શ્રદ્ધાળુઓના આસ્‍થા કેન્‍દ્ર એવા પ્રખ્‍યાત મા બગલામુખી મંદિરમાં ગંભીર નાણાકીય અનિયમિતતાઓનો પર્દાફાશ થયો છે. ભક્‍તો દ્વારા માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવતી રોકડ, સોનું અને ચાંદી જેવી કિંમતી વસ્‍તુઓ સરકારી તિજોરીના બદલે એક બિન-સરકારી સમિતિ દ્વારા ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એટલું જ નહીં, મંદિરના સત્તાવાર ખાતાના બદલે કેટલાક તત્‍વો પોતાના ખાનગી બેંક ખાતાનો ઉપયોગ કરીને ડિજિટલ દાન મેળવી રહ્યા હોવાના સણસણતા આરોપો લાગ્‍યા છે, જેના કારણે ભક્‍તોની લાગણી દુભાઈ છે.

આ શરમજનક ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્‍ટર પ્રીતિ યાદવ તાત્‍કાલિક એક્‍શન મોડમાં આવ્‍યા છે અને તેમણે કડક વલણ અપનાવીને આ સમગ્ર મામલાની દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે ત્રણ સભ્‍યોની ઉચ્‍ચ સ્‍તરીય તપાસ સમિતિની રચના કરી દીધી છે. જિલ્લા પંચાયતના સીઈઓ બી.એસ. સોલંકીના નેતળત્‍વમાં બનેલી આ તપાસ ટીમ મંદિરની રસીદ બુક, બેંક સ્‍ટેટમેન્‍ટ્‍સ અને તમામ દસ્‍તાવેજોની બારીકાઈથી સમીક્ષા કરશે. કલેક્‍ટરે આ ટીમને માત્ર ૭ દિવસની અંદર તમામ પુરાવા એકત્રિત કરી કડક ભલામણો સાથેનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે, જેથી આ કૌભાંડ પાછળ કયા મોટા માથાઓનો હાથ છે તે ટૂંક સમયમાં જ જાહેર થઈ જશે. બીજી તરફ, આ વિવાદ સામે આવ્‍યા બાદ રાજ્‍યનું રાજકારણ પણ ગરમાયું છે અને વિપક્ષ કોંગ્રેસે સરકાર પર તીખા પ્રહારો કર્યા છે.

(3:25 PM IST)