News of Tuesday, 4th August 2026
3 રાજ્યોની પેટાચૂંટણીમાં ભાજપે બે બેઠકો ગુમાવી : બિહારમાં 'જન સુરાજ' અને દતિયામાં કોંગ્રેસની જીત :માંજલપુર બેઠક સાચવવામાં ભાજપને સફળતા
આ પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપની જીત કરતા તેની હારની વધુ ચર્ચા :પરિણામોના આંકડા મુજબ આ ચૂંટણી જંગમાં ભાજપ 2-1 થી હારી ગયું

દેશભરમાં 3 રાજ્યોની 3 અલગ-અલગ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. આ પેટાચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપની જીત કરતા તેની હારની વધુ ચર્ચા થઈ રહી છે. પરિણામોના આંકડા મુજબ આ ચૂંટણી જંગમાં ભાજપ 2-1 થી હારી ગયું છે. બિહારની બાંકીપુર બેઠક પર 'જન સુરાજ' પાર્ટીના પ્રશાંત કિશોરે અને મધ્યપ્રદેશની દતિયા બેઠક પર કોંગ્રેસે ભાજપને સીધી હાર આપીને મોટો રાજકીય ફટકો માર્યો છે. જોકે, ગુજરાતની માંજલપુર બેઠક પર ભાજપ પોતાનો ગઢ સાચવી રાખવામાં સફળ રહ્યું છે. આ પરિણામોથી વિપક્ષી છાવણીમાં ભારે ઉત્સાહ છે અને ભાજપને એક કડક રાજકીય સંદેશ મળ્યો છે.
બિહારના રાજકારણમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભાજપનો અતૂટ ગઢ ગણાતી બાંકીપુર વિધાનસભા બેઠક પર 'જન સુરાજ' ના સ્થાપક પ્રશાંત કિશોરે (PK) જંગી જીત મેળવીને મોટો ધડાકો કર્યો છે. શરૂઆતમાં અહીં 31 રાઉન્ડની મતગણતરી નક્કી થઈ હતી, પરંતુ બાદમાં એક વધારાનો રાઉન્ડ ઉમેરાયો હતો. કુલ 32 રાઉન્ડની ગણતરીના અંતે પ્રશાંત કિશોરે ભાજપના ઉમેદવાર નીરજ સિંહાને સીધા 19,324 મતોના મોટા માર્જિનથી હરાવ્યા.
મધ્યપ્રદેશની દતિયા વિધાનસભા બેઠક પરનો મુકાબલો ખૂબ જ કાંટે કી ટક્કર વાળો રહ્યો હતો, પરંતુ અંતે બાજી કોંગ્રેસના હાથમાં રહી. 15મા અને અંતિમ રાઉન્ડની મતગણતરી પૂરી થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહનો વિજય થયો હતો. આ જીતને ભાજપ માટે મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે
કોંગ્રેસે આ બેઠક 6,016 મતોની સરસાઈથી જીતી લીધી છે. અહીં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના ઉમેદવાર દામોદર યાદવ 22,527 મત મેળવીને ત્રીજા સ્થાને રહ્યા હતા.
ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. અહીં ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 30,630 મતોના જંગી માર્જિનથી હરાવીને જીત નોંધાવી છે.
પોતાની ભવ્ય જીત બાદ સતીશ પટેલે તમામ મતદારો અને પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું હતું કે, "માંજલપુર હંમેશાથી ભાજપનો અભેદ્ય કિલ્લો રહ્યો છે અને આજે જનતાએ ફરી એકવાર અમારા પર અને પાર્ટીમાં પોતાનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે."
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
