News of Tuesday, 4th August 2026
રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના ચર્ચિત લગ્ન ફરી એકવાર વિવાદમાં: લગ્ન સમારોહનું 2.82 લાખનું બાકી કેટરિંગ બિલ મામલે કાનૂની નોટીસ
કેટરિંગ વ્યવસાયીએ સોનમના ભાઈ ગોવિંદ રઘુવંશીને 15 દિવસની કાનૂની નોટિસ મોકલી અને ચુકવણી નહીં થાય તો ફોજદારી તેમજ સિવિલ કાર્યવાહી કરવાની ચેતવણી આપી

દેશભરમાં ચર્ચિત બનેલા રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના લગ્ન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. જોકે, આ વખતે ચર્ચાનું કારણ હત્યાકાંડ કે લગ્ન સમારોહ નથી, પરંતુ તે જ લગ્ન પ્રસંગ સાથે જોડાયેલું લાખો રૂપિયાનું બાકી રહેલું કેટરિંગ બિલ છે. અહેવાલો મુજબ, લગ્ન સમારોહનું કુલ 2,82,550 રૂપિયાનું બિલ હજુ સુધી ચૂકવાયું નથી, જેને લઈને હવે કાનૂની કાર્યવાહીની શરૂઆત થઈ છે.
કેટરિંગ વ્યવસાયીએ સોનમ રઘુવંશીના ભાઈ ગોવિંદ રઘુવંશી અને તેમના પરિવારને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં 15 દિવસની અંદર બાકી રકમ ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો નક્કી કરેલી સમયમર્યાદામાં ચુકવણી નહીં થાય તો તેમની સામે છેતરપિંડી અને ફોજદારી વિશ્વાસઘાતનો કેસ નોંધાવવામાં આવશે.
હાઇકોર્ટના વકીલ જયંત દુબે મારફતે મોકલાયેલી નોટિસમાં કેટરિંગ વ્યવસાયી હિતેશ ઉર્ફે જિમી રોહિરાએ દાવો કર્યો છે કે 10 અને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલા રાજા અને સોનમના લગ્ન સમારોહની સંપૂર્ણ કેટરિંગ અને ભોજન વ્યવસ્થા તેમની ટીમે સંભાળી હતી. નોટિસ મુજબ, સમગ્ર કાર્યક્રમનો કુલ ખર્ચ 11,42,550 રૂપિયા થયો હતો. જેમાંથી 8 લાખ 60 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ 2,82,550 રૂપિયા બાકી છે.
વ્યવસાયીનો આરોપ છે કે બાકી રકમ મેળવવા માટે તેમણે અનેક વખત ફોન, વ્યક્તિગત મુલાકાત તેમજ લેખિત રજૂઆત દ્વારા સંપર્ક કર્યો હતો. જોકે, દરેક વખતે માત્ર ખાતરી આપવામાં આવી, પરંતુ બાકી ચૂકવણી કરવામાં આવી નહોતી. આખરે તેમણે ગોવિંદ રઘુવંશી અને તેમના પરિવારને અંતિમ તક તરીકે કાનૂની નોટિસ પાઠવી છે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો 15 દિવસની અંદર સંપૂર્ણ રકમ ચૂકવવામાં નહીં આવે તો સંબંધિત લોકો સામે ફોજદારી ફરિયાદ નોંધાવાશે. ઉપરાંત, બાકી રકમ વસૂલવા માટે સિવિલ કોર્ટમાં પણ દાવો દાખલ કરવામાં આવશે.
જે લગ્ન સમારોહના થોડા જ દિવસો બાદ રાજા રઘુવંશીની હત્યાનો ચર્ચિત કેસ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો, તે જ લગ્ન હવે બાકી રહેલા કેટરિંગ બિલને કારણે ફરી વિવાદમાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલો માત્ર કાનૂની નોટિસ સુધી જ મર્યાદિત છે. મહત્વનું એ છે કે. નોટિસમાં કરાયેલા તમામ આક્ષેપો કેટરિંગ વ્યવસાયીના દાવા પર આધારિત છે. ગોવિંદ રઘુવંશી અથવા તેમના પરિવાર તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
બીજી તરફ, રાજા રઘુવંશીની હત્યાના કેસમાં આરોપી પત્ની સોનમ રઘુવંશીએ તાજેતરમાં મેઘાલય એક નીચલી અદાલત સમક્ષ આત્મસમર્પણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમે રાજા-સોનમ કેસને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
