<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

વિદ્યાર્થી આંદોલનકારીઓ સામેના કેસો પર દેશની સર્વોચ્ચ અદાલતની મોટી સ્પષ્ટતા: દિલ્હી સહિત વિવિધ રાજ્ય સરકારો આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલી એફઆઈઆર બંધ કે પાછી ખેંચવા સ્વતંત્ર

​પેપર લીક અને પરીક્ષાની ગડબડો સામે દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં સામેલ નિર્દોષ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ: ગંભીર અને જઘન્ય અપરાધોમાં સંકળાયેલા આરોપીઓ સિવાયના તમામ સામાન્ય આંદોલનકારીઓને મોટી રાહત મળશે

​નવી દિલ્હી:​દેશભરમાં તાજેતરમાં પેપર લીક અને પરીક્ષાઓની કથિત અનિયમિતતાઓ સામે યોજાયેલા વિદ્યાર્થી આંદોલનોને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ સ્પષ્ટતા કરી છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે દિલ્હી સરકાર સહિત દેશની વિવિધ રાજ્ય સરકારો દિલ્હીના જંતર-મંતર તેમજ અન્ય રાજ્યોમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી એફઆઈઆર (FIR) કાયદા અનુસાર બંધ કરવા કે પાછી ખેંચવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

​મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠે આ મામલે ચુકાદો આપતા વિગતો સ્પષ્ટ કરી હતી. અદાલતે પોતાના અગાઉના આદેશ અંગે ઉદ્ભવેલી દ્વિધાને દૂર કરતા જણાવ્યું હતું કે, કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ અથવા રાહતનો લાભ એવા પ્રદર્શનકારીઓને જ નહીં મળે જેમના પર અત્યંત ગંભીર કે જઘન્ય અપરાધોના આરોપો લાગેલા છે. સામાન્ય કે નાની-મોટી કલમો હેઠળ ફસાયેલા વિદ્યાર્થીઓ પરથી કેસો હટાવીને તેમના ભવિષ્ય અને શિક્ષણને સુરક્ષિત રાખવાનો માર્ગ હવે મોકળો થયો છે.

​સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને ખાતરી આપી હતી કે સરકાર નિર્દોષ વિદ્યાર્થીઓ સામેના કેસો પાછા ખેંચવા માટે ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને તેની કાયદાકીય પ્રક્રિયા નક્કી કરવા કામગીરી ચાલી રહી છે. અદાલતે પણ નોંધ્યું હતું કે પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવનારા વિદ્યાર્થીઓને બિનજરૂરી કોર્ટ-કચેરીના આંટાફેરામાં ધકેલી દેવાથી કોઈ હેતુ સરશે નહીં.

​ઉલ્લેખનીય છે કે, દેશના જુદા જુદા ભાગોમાં યોજાયેલા આંદોલનો દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વિદ્યાર્થીઓ સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતના આ વલણથી દેશભરના હજારો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને મોટી રાહત મળી છે.

(10:12 AM IST)