<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

મહિલા અને તેના પ્રેમીને હાથ બાંધી આખા ગામમાં ફજેતી કરાવી

પ્રેમ કરવાની મળી તાલિબાની સજાઃ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ

બડવાની તા.૪: મધ્‍ય પ્રદેશના બડવાની જિલ્‍લામાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીંના ઠીકરી વિસ્‍તાર અંતર્ગત આવતા ગ્રામ બરુફાટકમાં એક મહિલા અને પુરુષને તાલિબાની સજા આપવામાં આવી. બરુફાટક ગામમાં પ્રેમ પ્રસંગની શંકામાં એક મહિલા અને તેના કથિત પ્રેમીના હાથ બાંધી દીધા. મહિલાના પતિ, દિયર અને અન્‍ય લોકોએ મળીને બંનેને આખા ગામમાં ફેરવ્‍યા. આ અપમાનજનક ઘટના દરમ્‍યાન લોકો મૂકદર્શક બનીને જોતા રહ્યા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્‍પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બંનેના હાથ બંધાયેલા છે અને તેમને બળજબરી ફેરવી રહ્યા છે. જ્‍યારે પોલીસને આ ઘટનાની સૂચના મળી, તો એક ટીમ તરત સંબંધિત ગામમાં પહોંચી. પોલીસે બંનેને ભીડથી બચાવ્‍યા અને ઠીકરી ચોકીમાં લઈ ગયા.

પોલીસને આપેલા પોતાના નિવેદનમાં મહિલાએ જણાવ્‍યું કે તેના લગ્ન ૧૫ વર્ષ પહેલા થયા હતા. મહિલાના જણાવ્‍યા અનુસાર, તેનો પતિ દારુડીયો છે અને તેની સાથે મારપીટ કરે છે. પતિએ તેના પર ચરિત્રહીનતાનો આરોપ લગાવતા આ કૃત્‍યને અંજામ આપ્‍યું. એવું પણ જાણવા મળ્‍યું કે, મહિલાનો પ્રેમી તેનો સંબંધી છે અને બંને વચ્‍ચે ૫ વર્ષથી લફરું હતું.

બડવાની એસડીઓપી મહેશ સુનય્‍યાએ આ મામલાની જાણકારી આપી છે. તેમણે જણાવ્‍યું કે મહિલાની ફરિયાદના આધાર પર તેના પતિ, દિયર અને અન્‍ય એક વ્‍યક્‍તિ વિરુદ્ધ ભારતીય ન્‍યાય સંહિતાની વિવિધ ધારાઓમાં ફરિયાદ નોંધાવી છે. એસડીઓપીએ આગળ જણાવ્‍યું કે, હાલમાં ત્રણેય આરોપી ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે. પોલીસ હવે મહિલાનું નિવેદન કોર્ટમાં રજૂ કરશે, ત્‍યાર બાદ આરોપીઓ વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

(10:26 AM IST)