<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

પત્‍ની સાથે ઝઘડો થતાં યુવકે મંદિરમાં જઈ કર્યું ભયાનક કામ

ઓડિશાના ગંજામ જિલ્‍લામાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી : હું આજથી હવે કંઈ નહીં બોલું. આટલું ચિઠ્ઠીમાં લખીને ૩૬ વર્ષના યુવકે મંદિરમાં જઈને પોતાની જીભ કાપી

ગંજામ  તા.૪: વ્‍હાલી પત્‍ની, તેં મારી વાતો ખૂબ સાંભળી લીધી. આજ દિવસ સુધી મેં તને જે પણ કહ્યું છે તે સાચું જ કહ્યું છે. મને માફ કરી દે. કારણ કે હું તારા જેવો સારો વ્‍યક્‍તિ ન બની શક્‍યો. આજથી હું તને વધારે કંઈ નહીં કહું. આપણી બે દીકરીની જવાબદારી તને સોંપી રહ્યો છું. હું આજે આવું શા માટે કહી રહ્યો છું તેનું કારણ આપી શકું તેમ નથી. બની શકે તો મને માફ કરી દેજે. મારી કરીના અને અંકિતાનું ધ્‍યાન રાખજે. મને વિશ્વાસ છે કે તું મારી વાત સાંભળીશ. હું મરવા નથી માંગતો. મેં જે પાપ કર્યાં છે તેની સજા જીવનભર ભોગવીશ. હું જે કરવા જઈ રહ્યો છું તેમાં કોઈનો કંઈ દોષ નથી. મારો પરિવાર ખૂબ સારો છે. કોઈને ક્‍યારેય દુઃખ ન પહોંચાડતા. હું આજથી હવે કંઈ નહીં બોલું.ૅ આટલું ચિઠ્ઠીમાં લખીને ૩૬ વર્ષના યુવકે મંદિરમાં જઈને પોતાની જીભ કાપી નાખતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઓડિશાના ગંજામ જિલ્‍લામાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. જ્‍યાં રવિવારે હંસતુલી ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ કાલી માતાના મંદિરના મુખ્‍ય દ્વાર પાસે એક શખ્‍સે ચાકુથી પોતાની જ જીભ કાપી નાખી હતી. મંદિરના મુખ્‍ય દ્વાર પર આ શખ્‍સ લોહીથી લથપથ હાલતમાં તડફડિયા મારી રહ્યો હતો. જેથી સ્‍થાનિકોએ તાત્‍કાલિક પોલીસને જાણ કરી અને પછી તેને સારવાર માટે હોસ્‍પિટલ ખાતે ખસેડ્‍યો હતો. જ્‍યાં હવે તેની હાલત સ્‍થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઓડિશાના ગંજામ જિલ્‍લાના હંસતુલી ગામમાં રહેતો ૩૬ વર્ષીય કિરણ પાત્રા વિદેશમાં મજૂરી કામ કરે છે. કિરણ તાજેતરમાં જ વિદેશથી હંસતુલી ગામમાં પરત ફર્યો હતો. તે હંસતુલી ગામમાં પત્‍ની અને ૨ બાળકીઓ સાથે રહે છે. ગઈકાલે રવિવારે કિરણ કાલી માતાના મંદિરે પહોંચ્‍યો હતો અને ચાકુથી પોતાની જીભ કાપી નાખી હતી. જ્‍યારે ગામના લોકો મંદિરે દર્શન કરવા માટે પહોંચ્‍યા, ત્‍યારે કિરણ મંદિરના મુખ્‍ય દ્વાર પર ગંભીર હાલતમાં જમીન પર પડ્‍યો હતો. જેના મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું. જે બાદ સ્‍થાનિકોએ આ અંગે તાત્‍કાલિક કિરણના પરિવારજનો અને સ્‍થાનિક પોલીસને જાણ કરી હતી.

આ અંગેની જાણ થતાં જ બેગુનિયાપાડા પોલીસની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને કિરણને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડ્‍યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન સ્‍થાનિક લોકોએ પોલીસને જણાવ્‍યું કે, શનિવારે રાત્રે કિરણ અને તેની પત્‍ની વચ્‍ચે કોઈ વાતને લઈને મોટો ઝઘડો થયો હતો. પત્‍ની સાથે મોટો ઝઘડો થયા બાદ રવિવારે કિરણે મંદિરે જઈને પોતાની જીભ કાપી નાખી હતી. તપાસ દરમિયાન પોલીસને કિરણે લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી છે.

હાલ પોલીસ તપાસ કરી રહી છે કે કિરણ અને તેની પત્‍ની વચ્‍ચે કઈ બાબતે ઝઘડો થયો હતો. બેગુનિયાપાડા પોલીસ સ્‍ટેશનના પ્રભારી ભગવાન પુજારીએ જણાવ્‍યું કે, સમયસર સારવાર મળી જતાં કિરણની હાલત સ્‍થિર છે. કિરણની MKCG હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસની ટીમ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નોંધવામાં આવ્‍યું નથી.

(10:27 AM IST)