<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

WhatsAppની મોટી કાર્યવાહીઃ ભારતમાં અનેક એકાઉન્‍ટ ૨૪ કલાક માટે બ્‍લોક

યૂઝર્સ પરેશાનઃ કોઈપણ પૂર્વ ચેતવણી વિના અચાનક ‘અકાઉન્‍ટ અંડર રિવ્‍યૂ'નો મેસેજ પોપ-અપ થતાં લોકો ચોંકી ઊઠયા : વોટસએપે ટેકનિકલ ભૂલ સ્‍વીકારી સુધારાની ખાતરી આપીઃ સોશિયલ મીડિયા પર આક્રોશની આંધી

નવી દિલ્‍હી, તા.૪: ભારતમાં સોમવારની સાંજ વોટ્‍સએપ યુઝર્સ માટે એક મોટા આંચકા સમાન સાબિત થઈ હતી. અચાનક જ દેશભરના હજારો યુઝર્સના અકાઉન્‍ટ્‍સને મેસેજિંગ પ્‍લેટફોર્મ દ્વારા ૨૪ કલાક માટે સમીક્ષા (રિવ્‍યૂ) હેઠળ મૂકીને બ્‍લોક કરી દેવામાં આવ્‍યા હતા. રાત્રે ૮ વાગ્‍યાની આસપાસ જે જેવા યુઝર્સે એપ ખોલી, કે તરત જ સ્‍ક્રીન પર તેમની ગતિવિધિઓ અને ડિવાઇસ ડેટાની તપાસ ચાલી રહી હોવાનો ચોંકાવનારો મેસેજ ચમકવા લાગ્‍યો હતો.  આ દરમિયાન યુઝર્સ એપના ઘણા મહત્‍વપૂર્ણ ફિચર્સનો ઉપયોગ કરી શકયા નહીં. આ સમસ્‍યાની પહેલી માહિતી રાત્રે લગભગ ૮ વાગ્‍યે સામે આવી. ઘણા યુઝર્સે જણાવ્‍યું કે કોઈપણ અગાઉની ચેતવણી વગર તેમના એકાઉન્‍ટને ‘Under Review' એટલે કે તપાસ હેઠળ મૂકી દેવામાં આવ્‍યા.

આ પગલાથી ભારત સહિત અનેક જગ્‍યાએ લોકો પરેશાન થઈ ગયા અને સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો પણ નોંધાવી. આ મુશ્‍કેલી પછી ઘણા પ્રભાવિત યુઝર્સે સોશિયલ મીડિયામાં પોતાની સમસ્‍યા શેર કરી અને એ જાણવાનો પ્રયત્‍ન કર્યો કે તેમના એકાઉન્‍ટ પર આ કાર્યવાહી કેમ થઈ.

સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્‍યે યુઝર્સને WhatsApp પર આ સમસ્‍યા દેખાવાની શરૂ થઈ. એપ ખોલવા પર એક સંદેશ દેખાયો કે તેમનું એકાઉન્‍ટ તપાસ હેઠળ છે અને તેની પ્રવળત્તિઓ તેમજ ફોન સંબંધિત માહિતીની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે જ ૨૪ કલાકની અંદર આના પર નિર્ણય લેવામાં આવવાની માહિતી પણ આપવામાં આવી.

આ ઉપરાંત એપમાં યુઝર્સને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની સૂચનાઓ અને ચોરાયેલા ફોન કે એકાઉન્‍ટ્‍સ સાથે જોડાયેલી માહિતીના વિકલ્‍પો પણ દેખાડવામાં આવ્‍યા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પોતાનો રોષ વ્‍યક્‍ત કર્યો. એક યુઝરે કહ્યું કે તેનું એકાઉન્‍ટ વગર કોઈ કારણસર બંધ કરી દેવામાં આવ્‍યું છે અને અપીલ કર્યા પછી પણ માત્ર સામાન્‍ય સંદેશ જ દેખાઈ રહ્યો છે.

અન્‍ય એક વ્‍યક્‍તિએ કહ્યું કે તેનું મોટાભાગનું કામ WhatsApp પર આધારિત છે અને ચેતવણી વગર એકાઉન્‍ટ બંધ થવું એ મોટી સમસ્‍યા છે. આ અંગે ટિપ્‍પણી માટે સંપર્ક કરવામાં આવતા WhatsAppના પ્રવક્‍તાએ જણાવ્‍યું કે, ‘અમે સતત એવા લોકો પર નજર રાખીએ છીએ જે અમારી સેવાઓનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે અને અન્‍ય યુઝર્સની સુરક્ષા માટે આવા એકાઉન્‍ટ્‍સ પર કાર્યવાહી કરીએ છીએ. જોકે, કયારેક અમારી ભૂલ પણ થઈ જાય છે. આવા કિસ્‍સાઓમાં અમે તેને વહેલી તકે સુધારવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી લોકો ફરીથી સામાન્‍ય રીતે વાતચીત કરી શકે.

(11:27 AM IST)