હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યૂયોર્કનો નવો ટેક્સ નિયમ ચર્ચામાં! પોતાનું જ ઘર સાબિત નહીં કરો તો ભરવો પડશે ભારે દંડ
ન્યૂયોર્કમાં હજારો ઘરમાલિકો માટે નવા Pied-a-terre Taxને લઈને ચિંતા વધી : સરકારે મોંઘી રહેણાંક મિલકતો ધરાવતા માલિકોને નોટિસ મોકલી છે અને ઘર મુખ્ય નિવાસ હોવાનું સાબિત કરવા કહ્યું છે

ન્યૂયોર્ક,તા.૪: શહેરમાં હજારો ઘરમાલિકો માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે. શહેરના નાણાં વિભાગ દ્વારા અનેક ઉચ્ચ મૂલ્યની રહેણાંક મિલકતો ધરાવતા માલિકોને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં જણાવાયું છે કે જો તેઓ સાબિત નહીં કરી શકે કે તેમની મિલકત તેમનું મુખ્ય નિવાસ છે, તો તેમને નવા પીડ-આ-ટેરે ટેક્સ હેઠળ વધારાનો વાર્ષિક ટેક્સ ચૂકવવો પડશે.
ન્યૂયોર્ક શહેરના નાણાં વિભાગનું માનવું છે કે, અનેક મોંઘી રહેણાંક મિલકતો એવી છે, જેમાં માલિકો મુખ્ય રીતે રહેતા નથી. આવી મિલકતોને સેકન્ડ હોમ અથવા ખાલી પડેલી મિલકત તરીકે ગણવામાં આવી રહી છે. તેથી આવા માલિકોને નોટિસ મોકલીને જરૂરી પુરાવા રજૂ કરવા કહેવામાં આવ્યું છે. જો કોઈ ઘરમાલિકને લાગે કે તેમને ભૂલથી આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે, તો તેઓએ દસ્તાવેજો રજૂ કરીને પ્રાથમિક નિવાસ છૂટ માટે અરજી કરવી પડશે.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, મેનહેટનમાં રહેતી કેરેન યંગ વર્ષોથી પોતાના એપાર્ટમેન્ટમાં રહે છે. તેમ છતાં તેમને પણ સરકારની છૂટ મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવા માટે કહેવામાં આવ્યું છે. જો તેમને આ છૂટ નહીં મળે તો તેમને દર વર્ષે અંદાજે ૪૨,૮૨૪ ડોલર (USD) એટલે કે લાખો રૂપિયાનો વધારાનો ટેક્સ ચૂકવવાનો વારો આવી શકે છે.
પીડ-આ-ટેરે ટેક્સ ન્યૂયોર્ક શહેરનો એક નવો કર (Tax) છે. તેનો હેતુ એવી અત્યંત મોંઘી રહેણાંક મિલકતો પર વધારાનો ટેક્સ વસૂલવાનો છે, જેમાં માલિક પોતે રહેતો નથી અને જે મિલકતનો ઉપયોગ મુખ્ય નિવાસ તરીકે થતો નથી. આ નિયમ ન્યૂયોર્ક રાજ્યના બજેટ કાયદાનો ભાગ બન્યા બાદ અમલમાં આવ્યો હતો. એપ્રિલ ૨૦૨૬માં ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની અને ગવર્નર કેથી હોચુલએ સંયુક્ત રીતે તેની જાહેરાત કરી હતી. ત્યારબાદ મે ૨૦૨૬માં રાજ્યના બજેટ કાયદા દ્વારા તેને સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યો.
આ નવો ટેક્સ સ્વતંત્ર મકાન ફલેટ અને કો-ઓપ એપાર્ટમેન્ટ સહિત તમામ પ્રકારની મોંઘી રહેણાંક મિલકતો પર લાગુ પડશે. પરંતુ તેની મુખ્ય શરત એ છે કે તે મિલકતમાં ન તો માલિક પોતે મુખ્ય રીતે રહેતો હોવો જોઈએ, ન તેનો નજીકનો પરિવાર રહેતો હોવો જોઈએ અને ન તો ત્યાં કોઈ ભાડૂત રહેતો હોવો જોઈએ. વર્ષ ૨૦૨૬થી ૨૦૨૮ દરમિયાન ૫ મિલિયન ડોલરથી વધુ કિમત ધરાવતા મકાનો પર આ ટેક્સ લાગુ થશે. જ્યારે ફલેટ અને એપાર્ટમેન્ટ માટે અલગ કિમત મર્યાદા નક્કી કરવામાં આવી છે. જોકે, જે લોકો ખરેખર તે જ ઘરમાં રહે છે તેઓ અરજી કરીને આ ટેક્સમાંથી છૂટ મેળવી શકે છે.
ઘણા ઘરમાલિકો હવે ટેક્સ વિભાગમાં છૂટ માટે અરજી કરી રહ્યા છે. તેમને સાબિત કરવું પડશે કે તેઓ ખરેખર તે જ સરનામે રહે છે. તે માટે તેઓ ટેક્સ રિટર્ન , ડ્રાઇવિગ લાઇસન્સ, મતદાર ઓળખપત્ર અથવા સરનામું દર્શાવતા અન્ય દસ્તાવેજો રજૂ કરી રહ્યા છે. જો મિલકતમાં કોઈ ભાડૂત, સંબંધી રહેતો હોય અથવા મિલકત કોઈ કંપની અથવા ટ્રસ્ટના નામે હોય તો વધારાના દસ્તાવેજો પણ જમા કરાવવા પડે છે.
આ સમગ્ર પ્રક્રિયા જટિલ હોવાથી ઘણા ઘરમાલિકોએ ટેક્સ વકીલ અને રિયલ એસ્ટેટ નિષ્ણાતોની મદદ લેવાની શરૂઆત કરી છે. બીજી તરફ, કેટલાક લોકોએ ઓનલાઈન પોર્ટલમાં ટેક્રિકલ ખામીઓ, વધુ દસ્તાવેજોની માંગ અને અપીલ પ્રક્રિયા અંગે ગૂંચવણ હોવાની ફરિયાદ કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર પ્રશાસને છૂટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ વધારવાનો નિર્ણય લીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
