<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

દિલ્હીની સડકો પર મહાસંગ્રામ: E20 ફ્યુઅલ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં પીએમ મોદીના નિવાસસ્થાન તરફ વિરાટ કૂચ!

અમેરિકી દબાણ સામે ઝૂક્યા વગર ઇથેનોલ નીતિ પાછી ખેંચવાની માંગ સાથે આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં હજારો કાર્યકરો અને દિગ્ગજ નેતાઓ દ્વારા E20 ફ્યુઅલ (ઇથેનોલ મિશ્રિત ઈંધણ) ની નીતિ વિરુદ્ધ એક વિશાળ અને ઉગ્ર વિરોધ કૂચ કાઢવામાં આવી છે. આ કૂચ સીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન તરફ આગળ વધી રહી છે, જેના કારણે રાજધાનીમાં ભારે હલચલ મચી ગઈ છે.
નવી દિલ્હી: તા.04: ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આ વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર બન્યું કે ફિરોઝ શાહ રોડ પર પહોંચતા જ દિલ્હી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને કડક બેરિકેડ્સ ખડકી દીધા હતા. વિરોધીઓને આગળ વધતા અટકાવવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ મહાકૂચમાં અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ જેવા શીર્ષસ્થ AAP નેતાઓ પણ ખભે-ખભો મિલાવીને ઉપસ્થિત રહ્યા હતા.
અરવિંદ કેજરીવાલનું નિવેદન:
"હું કહેવા માંગુ છું કે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાણમાં ન આવવું જોઈએ. તેમણે અમેરિકાથી ઇથેનોલ ખરીદવાનું બંધ કરવું જોઈએ અને આપણા દેશ પર E20 લાદવાનું બંધ કરવું જોઈએ. મને આશા છે કે પ્રધાનમંત્રી અમને ફોન કરશે. અમે પ્રધાનમંત્રીને સંદેશ મોકલ્યો છે કે અમે તેમને મળવા માંગીએ છીએ. સંઘર્ષ ચાલુ રહેશે."
દિલ્હી પોલીસની સખ્તાઈ: કલમ 163 હેઠળ પરવાનગીનો ઇનકાર
નવી દિલ્હી: તા.04: વિરોધ પ્રદર્શનને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 સખ્તીથી લાગુ કરવામાં આવી છે, જેના કારણે વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ કોઈપણ પ્રકારની કૂચ કરવાની મંજૂરી આપી શકાય નહીં. વળી, પોલીસે એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી દ્વારા આ કૂચ માટે અગાઉથી કોઈ જ પરવાનગી માંગવામાં આવી ન હતી કે ન તો પ્રશાસન દ્વારા આવી કોઈ પરવાનગી આપવામાં આવી છે.
ભાજપનો પલટવાર: "આ અર્થહીન અભિયાન ખેડૂતો વિરોધી છે"
આમ આદમી પાર્ટીના આ ઉગ્ર વિરોધ સામે ભારતીય જનતા પાર્ટી (BJP) એ આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના સાંસદ તરુણ ચુગે કેજરીવાલની આ કૂચની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, "આ તેમનું વાહિયાત, અર્થહીન અભિયાન છે; કોઈ તર્ક નથી, કોઈ માહિતી નથી... બધું વૈજ્ઞાનિક રીતે કરવામાં આવ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેજરીવાલનું આ વર્તન સીધેસીધું ભારતના ખેડૂતો વિરુદ્ધ છે, કારણ કે ઇથેનોલ એટલે ખેડૂતો માટે રક્ષણ.

(6:25 PM IST)