News of Tuesday, 4th August 2026
"જો મેં ૧ રૂપિયો પણ લીધો હોય તો ઇન્સ્ટાગ્રામ ડિએક્ટિવેટ કરી દઈશ!": ₹૧ લાખના કથિત આરોપો પર ભડકી ઉર્ફી જાવેદ, મીડિયા અને ટ્રોલર્સને ફેંક્યો ખુલ્લો પડકાર!
'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને પ્રમોટ કરવાના દાવાઓને ઉર્ફીએ ગણાવ્યા પાયાવિહોણા; કહ્યું- "પૈસા મળ્યા નથી, પણ મારે તો બ્રાન્ડ્સ ગુમાવવાનો વારો આવ્યો છે!"

મુંબઈ : પોતાના અતરંગી ફેશન સ્ટેટમેન્ટ્સ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદ (Uorfi Javed) ફરી એકવાર ભારે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અંસારી દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર ઉર્ફીએ પોતાનું મૌન તોડ્યું છે. ફૈઝાને દાવો કર્યો હતો કે NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન ઉર્ફીએ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દિપકે પાસેથી ૧ લાખ રૂપિયા લઈને પાર્ટીને સપોર્ટ કર્યો હતો. આ દાવાઓ સામે આવતા જ ઉર્ફીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
"તુ જા કે પતા કર મેં ૧ રીલ કા કિતના લેતી હું!"
પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બે વિડીયો શેર કરીને ઉર્ફીએ આ આરોપોની જોરદાર મજાક ઉડાવી હતી. ટ્રોલર્સ અને ફૈઝાન અંસારીને આકરા પાણીએ લેતા ઉર્ફીએ વ્યંગાત્મક લહેકામાં કહ્યું હતું કે, "૧ લાખ?? ૧ લાખ રૂપિયા!! છોમુ, તુ પહેલા જઈને તપાસ કર કે હું એક રીલ બનાવવાનો કેટલો ચાર્જ લઉં છું! શું હું કોઈ કારણ વગર માત્ર ૧ લાખ રૂપિયામાં રીલ મૂકી દઈશ?" આ સાથે જ ઉર્ફીએ ફૈઝાન અંસારી પર અગાઉ પણ તેના વિશે ફેક ન્યૂઝ અને વાહિયાત અફવાઓ ફેલાવવાનો પાયાવિહોણો આક્ષેપ કર્યો હતો.
"પૈસા મળ્યા નથી, સામો મોટો આર્થિક ફટકો પડ્યો છે!"
રાજકીય કે સામાજિક મુદ્દે સપોર્ટ કરવા બદલ પૈસા મળવાના દાવાને સંપૂર્ણપણે ફગાવતા ઉર્ફીએ વાસ્તવિકતા સામે મૂકી હતી. તેણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે CJP ને જાહેરમાં સમર્થન આપ્યા બાદ તેને કોઈ ફાયદો નથી થયો, પરંતુ ઉલટાનું મોટું નાણાકીય નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઘણી જાણીતી બ્રાન્ડ્સે તેની સાથેના બિઝનેસ કરારો અને સહયોગ (Collaborations) રદ કરી દીધા છે.
મીડિયા હાઉસને ફેંક્યો ખુલ્લો પડકાર
વિના ચકાસણીએ આવા સમાચાર પ્રકાશિત કરવા બદલ ઉર્ફીએ અગ્રણી મીડિયા હાઉસીસ સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, "જો કોઈ પણ મીડિયા હાઉસ કે વ્યક્તિ એ સાબિત કરી બતાવે કે મેં આ કામ માટે ૧ રૂપિયો પણ લીધો છે, તો હું એ જ દિવસે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ કાયમ માટે ડિએક્ટિવેટ કરી દઈશ." ઉર્ફીના આ આક્રમક વલણ અને ખુલ્લા પડકારે હાલ સોશિયલ મીડિયા પર મોટો ધમાકો સર્જ્યો છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
