<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

NEET-UG પેપર લીક કેસ: દિલ્હી કોર્ટે CBI ને ૬ ઓગસ્ટ સુધીમાં આરોપીઓને ચાર્જશીટની નકલો આપવાનો આપ્યો આદેશ!

સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દરરોજ કરશે સુનાવણી; ૨૦,૦૦૦ પાનાની ચાર્જશીટમાં ૧૩ આરોપીઓ, ૩૬૦ સાક્ષીઓ અને ૪૨૨ દસ્તાવેજો સામેલ!

નવી દિલ્હી:  સમગ્ર દેશમાં ભારે ચર્ચાસ્પદ બનેલા NEET-UG પેપર લીક કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને મહત્વનો આદેશ આપ્યો છે. અદાલતે સીબીઆઈને નિર્દેશ આપ્યો છે કે તેઓ આવતીકાલ સાંજ સુધીમાં ચાર્જશીટની ચકાસણી (Scrutiny) પૂર્ણ કરે અને તમામ આરોપીઓને ૬ ઓગસ્ટ સુધીમાં તેની નકલો સોંપી દે. આ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાહેર પરીક્ષા (અયોગ્ય માધ્યમો નિવારણ) અધિનિયમ, ૨૦૨૪ હેઠળ નોંધાયેલા આ કેસની હવેથી દૈનિક ધોરણે (Daily Hearing) સુનાવણી હાથ ધરવામાં આવશે.
૨૦,૦૦૦ પાનાની વિશાળ ચાર્જશીટ અને સ્કેનિંગનો પડકાર
સીબીઆઈએ આ કેસમાં ૧૩ આરોપીઓ સામે ૨૦,૦૦૦ થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આટલા મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને નિવેદનોનું સ્કેનિંગ અને ઈ-કોપી તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી સમય લાગી રહ્યો છે. સ્પેશિયલ જજ અજય ગુપ્તાની અદાલતે જામીન અરજીઓ પરની સુનાવણી પણ ૬ ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે. સીબીઆઈએ પોતાની ચાર્જશીટમાં ૩૬૦ સાક્ષીઓ, ૪૨૨ દસ્તાવેજો અને ૪૩ ભૌતિક પુરાવાઓનો સમાવેશ કર્યો છે.
બ્રેઈન મેપિંગ અને લાઈ ડિટેક્ટર ટેસ્ટની માગણી
કેસમાં આરોપી દિનેશ બિવાલ, વિકાસ બિવાલ અને માંગીલાલ બિવાલ તરફથી એડવોકેટ એ. પી. સિંહે લાઈ ડિટેક્ટર, બ્રેઈન મેપિંગ અને પોલિગ્રાફ ટેસ્ટ કરાવવા માટે અરજી દાખલ કરી હતી. જોકે, કોર્ટે સીબીઆઈને આ અંગે પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે અને ઉમેર્યું છે કે આવી અરજીઓની ગ્રાહ્યતા (Maintainability) ચકાસવામાં આવશે. હાલમાં ચાર્જશીટમાં સામેલ તમામ ૧૩ આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં જેલમાં બંધ છે.
દેશભરમાં ૯૨ સ્થળે દરોડા અને NTA નિષ્ણાતોની ધરપકડ
સીબીઆઈની તપાસ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં ૯૨ થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના વિષય નિષ્ણાતો (રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્ર), મધ્યસ્થીઓ તેમજ કોચિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત મની ટ્રેલના આધારે આરોપીઓના અનેક બેંક ખાતા, લોકર અને ડીમેટ એકાઉન્ટ્સ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

(6:38 PM IST)