"ન તો પૂરતા શિક્ષકો છે, ન તો પુસ્તકો!": CBSE ની '3-ભાષા નીતિ' સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો વિવાદ, તાત્કાલિક સુનાવણીની માગ!
ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પર ત્રણ ભાષાઓ ફરજિયાત લાદવા સામે અરજી: કેન્દ્ર અને CBSE એ બહુભાષીવાદના નામે નિર્ણયનો બચાવ કર્યો!

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવેલી નવી '૩-ભાષા નીતિ' (Three-Language Policy) સામેનો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે આ નીતિ સામે દાખલ થયેલી અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવાની વિનંતી કરવામાં આવી છે. અરજદારોના વકીલે કોર્ટ સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો છે કે શાળાઓમાં નવી ભાષાઓ ભણાવવા માટે ન તો પૂરતા શિક્ષકો ઉપલબ્ધ છે કે ન તો અભ્યાસક્રમના પુસ્તકો તૈયાર છે.
શૈક્ષણિક સત્ર શરૂ થઈ જતાં અરજી પર ઝડપી સુનાવણીની માંગ
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે, દેશભરમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવાથી આ મામલે બુધવાર કે ગુરુવારે જ સુનાવણી હાથ ધરવી જરૂરી છે. અરજદારોના જણાવ્યા મુજબ, પૂરતી લોજિસ્ટિકલ તૈયારીઓ અને યોગ્ય માળખા વગર વિદ્યાર્થીઓ પર બળજબરીથી આ નીતિ લાદવામાં આવી રહી છે, જે શિક્ષણના અધિકાર કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ રજૂઆત પર સીજેઆઈએ "અમે કેસની સમીક્ષા કરીશું" તેમ જણાવ્યું હતું.
કેન્દ્ર અને CBSE નો 'બહુભાષીવાદ' અને 'રાષ્ટ્રીય એકતા'ના નામે બચાવ
બીજી તરફ, કેન્દ્ર સરકાર, NCERT અને CBSE એ સોગંદનામું રજૂ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ લેવાયેલા આ નિર્ણયનો મજબૂત બચાવ કર્યો છે. તેમણે કોર્ટને જણાવ્યું કે આ નીતિ દેશમાં બહુભાષીવાદ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે અત્યંત જરૂરી છે, તેથી અરજીઓ ફગાવી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અગાઉ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને CBSE ની તૈયારીઓ અંગેનો વાસ્તવિક અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો.
શું છે ૧ જુલાઈથી લાગુ થયેલો નવો નિયમ?
CBSE ના પરિપત્ર મુજબ, ૧ જુલાઈ ૨૦૨૬ થી ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓ (R1, R2, R3) નો અભ્યાસ ફરજિયાત બનાવવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી અનિવાર્ય છે. જો કોઈ વિદ્યાર્થી વિદેશી ભાષા શીખવા માંગતો હોય, તો પણ તેણે અગાઉ બે ભારતીય ભાષાઓ ભણેલી હોવી જરૂરી છે. વકીલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે કોઈપણ વિકલ્પ આપ્યા વિના ભાષાઓ લાદવાના આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મૂંઝવણ અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
