હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ફરી એકવાર મોટા રાજકીય ઉથલપાથલ અને લશ્કરી બળવાની અફવાઓએ ગરમાવો લાવી દીધો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના તમામ પ્રવેશદ્વારો પર મોટા મોટા કન્ટેનર મુકીને શહેરને ચારેય તરફથી સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું છે. મીડિયા અહેવાલો મુજબ, રાવલપિંડી સ્થિત સૈન્ય હેડક્વાર્ટર (GHQ) માં વડાપ્રધાન શાહબાઝ શરીફની ખુરશી છીનવી લેવાની યોજના ઘડાઈ રહી છે. આ દરમિયાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના અત્યંત નજીકના મનાતા દેશના ગૃહમંત્રી મોહસીન નકવીએ પોતાની જ સરકાર અને પાકિસ્તાનની વર્તમાન શાસન વ્યવસ્થાને સંપૂર્ણપણે "ભંગાણ" (Collapse) થયેલી જાહેર કરીને આંતરિક વિવાદ સપાટી પર લાવી દીધો છે.
૨૧ વર્ષનું સૌથી મોટું લાંચ કૌભાંડ: નકવીનો પોતાની જ સિસ્ટમ પર સણસણતો હુમલો
ગૃહમંત્રી મોહસીન નકવીએ દાવો કર્યો છે કે દેશના ઇતિહાસનું સૌથી મોટું ભ્રષ્ટાચાર કૌભાંડ સામે આવ્યું છે, જેમાં છેલ્લા ૨૧ વર્ષથી દેશના ન્યાયાધીશો, નોકરશાહો, રાજકારણીઓ અને બેંકરો લાંચ લેવામાં સામેલ છે. રાજકીય વિશ્લેષકોના મતે, નકવીએ આ નિવેદનમાં સેનાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો, જે સ્પષ્ટ દર્શાવે છે કે તેમનું લક્ષ્ય માત્ર નાગરિક વહીવટ અને શાહબાઝ શરીફની સરકાર છે. જનરલ અસીમ મુનીરના ખુલ્લા સમર્થનથી મોહસીન નકવીની રાજકીય મહત્વાકાંક્ષાઓ વધતી જઈ રહી છે, જે શાહબાઝ શરીફ માટે મોટો ખતરો બની ગઈ છે.
સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનો પલટવાર: "સિસ્ટમ ખરાબ હોય તો ઘરે જાવ"
નકવીના આ આક્રમક વલણથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ટીવી શો દરમિયાન તીખો પ્રહાર કર્યો હતો. તેમણે નકવીને કટાક્ષમાં "અત્યંત શક્તિશાળી માણસ" ગણાવતા કહ્યું કે, તેઓ છેલ્લા ત્રણ વર્ષથી મહત્વના હોદ્દા ભોગવી રહ્યા છે અને વડાપ્રધાનને પણ ગણકારતા નથી. આસિફે ઉમેર્યું કે, "જો દેશનો આટલો શક્તિશાળી ગૃહમંત્રી સિસ્ટમ સામે ફરિયાદો કરતો હોય, તો અન્ય મંત્રીઓએ રાજીનામું આપીને ઘરે જતા રહેવું જોઈએ." તેમણે નકવીને દેશ સુધારતા પહેલા પોતાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ગૃહ મંત્રાલયની સિસ્ટમ સુધારવાની સલાહ આપી હતી.
શું પાકિસ્તાનમાં ફરી સત્તા પરિવર્તન થશે?
બલુચિસ્તાન અને પીઓકે (PoK) માં વધતા આંતરિક વિદ્રોહ વચ્ચે આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ગૃહમંત્રી નકવી દ્વારા નાગરિક સરકાર પર પોતાનો સંપૂર્ણ દબદબો સ્થાપિત કરવા માંગે છે. પાકિસ્તાનના ઇતિહાસમાં સત્તાના સર્વોચ્ચ સ્તરે આ પ્રકારનો ખુલ્લો સંઘર્ષ અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. જે રીતે સેના અને ગૃહમંત્રી મિલિભગત કરીને સિસ્ટમને પડકારી રહ્યા છે, તેને જોતા પાકિસ્તાનમાં ફરી એકવાર સેના દ્વારા તખ્તાપલટ (Military Coup) અથવા મોટા સત્તા પરિવર્તનની શક્યતાઓ વધી ગઈ છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM