હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હૈદરાબાદમાં BRICS દેશોનો મહાસંગમ: સરહદ પાર ભ્રષ્ટાચાર, ભાગેડુ અપરાધીઓ અને સંપત્તિ પુનઃપ્રાપ્તિ સામે આંતરરાષ્ટ્રીય મોરચો મજબૂત કરાશે!
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી બે દિવસીય મહત્વપૂર્ણ બેઠકમાં ડિજિટલ ટેકનોલોજી, પારદર્શિતા અને વૈશ્વિક કાયદાકીય સહયોગ પર મુકાયો વિશેષ ભાર!

હૈદરાબાદ : સીમા પાર થતા ભ્રષ્ટાચારને અટકાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે નાસી છૂટેલા ભાગેડુ અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવાના ઉદ્દેશ્યથી તેલંગાણાના હૈદરાબાદ શહેર ખાતે 'BRICS ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથ' (Anti-Corruption Working Group) અને સંપત્તિ પુનઃપ્રાપ્તિ પરના નિષ્ણાત નેટવર્કની બીજી બેઠકનો પ્રારંભ થયો છે. ભારતની BRICS પ્રેસિડેન્સી હેઠળ યોજાઈ રહેલી આ બે દિવસીય મહત્ત્વપૂર્ણ બેઠકમાં સભ્ય દેશોના નીતિ નિર્માતાઓ, કાયદાકીય નિષ્ણાતો અને અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિઓ એકમંચ પર ભેગા થયા છે.
ડિજિટલ ગવર્નન્સ અને કાયદાકીય સુધારાઓ પર ભારતનો ભાર
બેઠક દરમિયાન ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) ના સચિવ રચના શાહે ભારતની વ્યૂહરચના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતે સુશાસન અને પારદર્શિતા લાવવા માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અને ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) જેવી ડિજિટલ પ્રણાલીઓ સફળતાપૂર્વક લાગુ કરી છે. તાજેતરમાં ‘જાહેર પરીક્ષા (અન્યાયી સાધનોની અટકાયત) અધિનિયમ’ કડક બનાવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે ભ્રષ્ટ પદ્ધતિઓ પણ સમય સાથે બદલાઈ રહી છે, જેથી BRICS જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પરથી આંતરરાષ્ટ્રીય સહયોગ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે.
રશિયન પ્રતિનિધિમંડળે ભારતની નેતૃત્વ ક્ષમતાને બિરદાવી
આ સંમેલનમાં ભાગ લેવા આવેલા રશિયન ફેડરેશનના પ્રતિનિધિઓએ ભારતની અધ્યક્ષતા અને પ્રત્યક્ષ (In-person) બેઠકના આયોજનની પ્રશંસા કરી હતી. રશિયન પ્રતિનિધિ એલેક્સી મુરાટોવે જણાવ્યું હતું કે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન (UNCAC) જેવા વૈશ્વિક મંચો ઉપરાંત BRICS જેવા પ્રાદેશિક સંગઠનો વ્યવહારુ ઉકેલો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અન્ય રશિયન પ્રતિનિધિ ઓલ્ગા મોખોવાએ નોંધ્યું હતું કે તમામ દેશોમાં સામાજિક ક્ષેત્રે ભ્રષ્ટાચારના પડકારો સમાન છે, જેથી અનુભવો અને જ્ઞાનનું આદાન-પ્રદાન લડાઈને વધુ મજબૂત બનાવશે.
ટેકનોલોજી-ડ્રાઇવ્ડ શાસન અને ભવિષ્યની યોજનાઓ
આ બેઠકમાં ખાસ કરીને સરહદ પાર નાણાકીય ગુનાઓ કરીને વિદેશ ભાગી જતા ગુનેગારોની સંપત્તિ જપ્ત કરવા અને તેને પુનઃપ્રાપ્ત કરવા માટે સંયુક્ત કાયદાકીય માળખું તૈયાર કરવા પર ગહન ચર્ચા થઈ રહી છે. કાર્યક્રમના ભાગરૂપે "નવીનતા અને ટેક-ડ્રાઇવ્ડ સિસ્ટમ્સ દ્વારા નૈતિક શાસન" વિષય પર એક ખાસ સાઇડ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાહેર ખરીદીમાં પારદર્શિતા, નાગરિક ભાગીદારી અને જાહેર વહીવટમાં અખંડિતતા વધારવા માટે ડિજિટલ ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
