<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

શેખ હસીનાના મીડિયા કાર્યક્રમથી ભડકેલા બાંગ્લાદેશને ભારતનો રોકડિયો જવાબ: 'કાર્યક્રમ ખાનગી છે, અમારે કોઈ સમર્થન કે લેવાદેવા નથી!'

નવી દિલ્હીમાં ઈવેન્ટ અટકાવવાની ઢાકાની વિનંતી ભારતે ફગાવી: વડાપ્રધાન તારિક રહેમાનને દ્વિપક્ષીય મુલાકાત અને BRICS સમિટનું અપાયું આમંત્રણ!

નવી દિલ્હી : બાંગ્લાદેશના પદભ્રષ્ટ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના નવી દિલ્હી ખાતે પ્રસ્તાવિત વર્ચ્યુઅલ સંબોધનને લઈને ઢાકા દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ વચ્ચે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. બાંગ્લાદેશે આ કાર્યક્રમ બંને દેશોના સુધરેલા સંબંધો પર વિપરીત અસર કરશે તેવી ચેતવણી આપીને તેને અટકાવવા માંગ કરી હતી. તેના જવાબમાં ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે આ કોઈ સરકારી કાર્યક્રમ નથી પરંતુ એક ખાનગી મીડિયા ઓર્ગેનાઈઝેશનની ઈવેન્ટ છે, જેમાં સરકારની કોઈ જ ભૂમિકા કે સમર્થન નથી.

ખાનગી મીડિયા પ્લેટફોર્મના મંતવ્યો સાથે સરકારને કોઈ લેવાદેવા નથી: MEA

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિયમિત મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, નવી દિલ્હી સ્થિત 'ફોરેન કોરસપોન્ડન્ટ્સ ક્લબ ઓફ સાઉથ એશિયા' (FCC) દ્વારા ૫ ઓગસ્ટે યોજાનારા આ કાર્યક્રમ અંગે ભારત સરકાર કડક તટસ્થતા ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, "આ આયોજન એક ખાનગી મીડિયા સંગઠનનું છે. તેમાં સરકારનો કોઈ હાથ નથી અને તે પ્લેટફોર્મ પર વ્યક્ત કરાયેલા કોઈપણ મંતવ્યોને નવી દિલ્હી સમર્થન આપતું નથી." ઢાકામાં ભારતના હાઈકમિશનર દિનેશ ત્રિવેદી સાથેની બેઠકમાં બાંગ્લાદેશના વિદેશ સલાહકાર હુમાયુ કબીરે હસીનાને નિવેદન આપતા રોકવાની માંગ કરી હતી.

શેખ હસીનાના પ્રત્યાર્પણ અંગે બાંગ્લાદેશની સતત માંગણીઓ

ઉલ્લેખનીય છે કે, શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશ સરકારે નવેમ્બર ૨૦૨૫ માં ઔપચારિક વિનંતી મોકલી હતી, જેનો પુનરોચ્ચાર એપ્રિલમાં વિદેશ પ્રધાન ખલીલુર રહેમાનની ભારત મુલાકાત દરમિયાન પણ કરાયો હતો. આમ છતાં, ભારતે મીડિયાની સ્વતંત્રતા અને કાનૂની મર્યાદાઓને આધીન રહીને ઢાકાને સ્પષ્ટ અરીસો બતાવી દીધો છે કે ખાનગી કાર્યક્રમો પર સરકારનો કોઈ અંકુશ હોતો નથી.

વડાપ્રધાન તારિક રહેમાનને ભારત આવવાનું અને BRICS સમિટનું આમંત્રણ

બીજી તરફ, દ્વિપક્ષીય સંબંધોને આગળ ધપાવવા માટે ભારતે સકારાત્મક પગલાં લીધાં છે. ફેબ્રુઆરી ૨૦૨૬ માં પદ સંભાળનારા બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાનને ભારતની દ્વિપક્ષીય મુલાકાત માટે ઔપચારિક મંજૂરી અને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ૧૨-૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી ૧૮મી BRICS સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લેવા માટે BIMSTEC ના વર્તમાન અધ્યક્ષ તરીકે તારિક રહેમાનને અલગથી ખાસ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

 

(7:58 PM IST)