<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ડિજિટલ એરેસ્ટ સ્કેમ પર સુપ્રીમ કોર્ટની આકરી લાલ આંખ: RBI ને ૪ અઠવાડિયામાં બેંકિંગ SOP બનાવવા અને પીડિતો માટે 'વળતર માળખું' તૈયાર કરવા નિર્દેશ!

૩૬,૨૯૦ કેસોમાં ₹૧૮.૦૫ કરોડની રકમ પરત મેળવાઈ, CBI ની નાણાકીય તપાસ મર્યાદા ઘટાડવા અને ઇ-ઝીરો FIR લાગુ કરવા સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક આદેશ!

નવી દિલ્હી : દેશભરમાં માથું ઊંચકી રહેલા "ડિજિટલ એરેસ્ટ" અને સાયબર છેતરપિંડીના કૌભાંડો સામે નાગરિકોને મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવા સુપ્રીમ કોર્ટે સુઓ મોટો (સ્વતઃ સંજ્ઞાન) કાર્યવાહી દરમિયાન અત્યંત મહત્વપૂર્ણ દિશાનિર્દેશો જારી કર્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાનીની ખંડપીઠે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ને તમામ બેંકો માટે Standard Operating Procedure (SOP) લાગુ કરવા અને છેતરપિંડીથી ગુમાવેલા નાણાં ઝડપથી પરત મેળવવા માટે મજબૂત પદ્ધતિ બનાવવાનો આદેશ આપ્યો છે.

₹૧૮.૦૫ કરોડ પરત કરાયા, ૬૭ મુખ્ય બેંક ખાતાઓ અને ૯૩ સ્થળો પર સીબીઆઈના દરોડા

ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના સ્ટેટસ રિપોર્ટની નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો કે અત્યાર સુધીમાં ૩૬,૨૯૦ કેસોમાં છેતરપિંડી થયેલા ₹૧૮.૦૫ કરોડ પીડિતોને પરત કરવામાં આવ્યા છે. જેમાં ૫૭ બેંકો તેમજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો છે. CBI એ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય નેટવર્ક પર સિકંજો કસતાં ૬૭ મુખ્ય બેંક ખાતાઓ ટ્રેસ કર્યા છે અને ૧૬ રાજ્યોમાં ૯૩ થી વધુ સ્થળોએ શોધખોળ હાથ ધરી છે.

RBI ૪ અઠવાડિયામાં બનાવશે SOP, શંકાસ્પદ ખાતાઓ તુરંત ફ્રીઝ થશે

સર્વોચ્ચ અદાલતે RBI ને ચાર સપ્તાહની અંદર એવી બેંકિંગ SOP જારી કરવા નિર્દેશ આપ્યો છે, જેના હેઠળ સાયબર ફ્રોડ સાથે જોડાયેલા બેંક ખાતાઓ પર કામચલાઉ ડેબિટ હોલ્ડ (રૂપિયા ઉપાડવા પર રોક) લગાવી શકાય. આ ઉપરાંત, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચાર સપ્તાહમાં 'રાજ્ય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર્સ' શરૂ કરવા અને ગૃહ મંત્રાલયની મદદથી 'ઈ-ઝીરો FIR' મિકેનિઝમ અપનાવવા કહેવામાં આવ્યું છે, જેથી પીડિતો ઘરબેઠા જ તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે.

પીડિતો માટે 'વળતર માળખું' અને audio/video કૉલ્સ પર પ્રતિબંધ અંગે વિચારણા

એક ઐતિહાસિક પ્રસ્તાવ આપતાં સુપ્રીમ કોર્ટે આંતર-વિભાગીય સમિતિને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા નાગરિકો માટે 'પીડિત વળતર માળખું' (Victim Compensation Framework) ઘડી કાઢવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, MeitY, ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને I4C ને ઓડિયો તેમજ વીડિયો કૉલ્સ પર સમય-આધારિત પ્રતિબંધો મૂકવાની શક્યતાઓ ચકાસવા માટે રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. આ મામલે આગામી સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરવામાં આવશે.

 

(8:44 PM IST)