<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ભાગેડુ ગુનેગારો પર મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: ૭ વર્ષમાં ૩૬ દેશોમાંથી ૨૭૪ આતંકી-ગેંગસ્ટર ભારત ડિપોર્ટ : ₹૧૭,૮૭૪ કરોડની સંપત્તિ જપ્ત

ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટ: PMLA હેઠળ ભ્રષ્ટાચારીઓ પાસેથી ₹૧૮,૭૬૨ કરોડ વસૂલાયા : આતંકવાદીઓ, બળાત્કારીઓ અને આર્થિક ગુનેગારો સામે ૫૦૧ રેડ કોર્નર નોટિસ જારી કરાઈ

નવી દિલ્હી :  ભારતીય કાયદાની પહોંચમાંથી બચવા માટે વિદેશ ભાગી ગયેલા ખતરનાક ગુનેગારો, આતંકવાદીઓ અને આર્થિક ભ્રષ્ટાચારીઓ પર ભારત સરકારે સકંજો મજબૂત કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૬ ના સાત વર્ષના સમયગાળા દરમિયાન ભારતે વિશ્વના ૩૬ દેશો સાથે રાજદ્વારી અને ન્યાયિક સંબંધોનો ઉપયોગ કરીને ૨૭૪ મોટા ભાગેડુઓને સફળતાપૂર્વક ડિપોર્ટ કરીને ભારત પાછા લાવ્યા છે. આ સિવાય પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના આકરા અમલીકરણ હેઠળ ભાગેડુઓની ₹૧૭,૮૭૪ કરોડની બેનામી સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવી છે.

ભારત પાછા લાવવામાં આવેલા ૨૭૪ વિદેશી ભાગેડુઓમાં આતંકવાદીઓ, નાર્કો-ટેરરિસ્ટ, ગેરકાયદે ગેંગસ્ટર, બળાત્કારીઓ, POCSO ના ગુનેગારો અને કરોડોનું ફ્રોડ કરનારા આર્થિક અપરાધીઓનો સમાવેશ થાય છે. આંકડા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન દેશમાંથી ભાગી ગયેલા ગુનેગારો પાસેથી કુલ ₹૧૮,૭૬૨ કરોડની વસૂલાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, છેલ્લા ત્રણ વર્ષમાં જ આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા આઈઆરસીઓ  ના માધ્યમથી આવા ખતરનાક અપરાધીઓ સામે કુલ ૫૦૧ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે, જેમાંથી ૨૦૨૬ ના વર્તમાન વર્ષમાં જ ૧૮૨ નોટિસ જારી થઈ ચૂકી છે.

ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ, અગાઉના વર્ષોમાં બેવડી સજા અને ન્યાયિક અડચણો તેમજ અગાઉની સરકારોમાં રાજકીય ઈચ્છાશક્તિના અભાવે ભાગેડુઓને ભારત લાવવાની પ્રક્રિયા અત્યંત ધીમી હતી. પરંતુ વર્તમાન મોદી સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનેગારોના પ્રત્યાર્પણને રાષ્ટ્રીય પ્રાથમિકતા બનાવી દીધી છે. ગૃહ મંત્રાલય, સીબીઆઈ , ઈડી (ED) અને વિદેશ મંત્રાલય વચ્ચેના બહેતર સંકલન અને વૈશ્વિક એજન્સીઓ સાથેના સીધા મજબૂત સંપર્કને કારણે આજે વિદેશમાં છુપાયેલા ગુનેગારો માટે સંતાવું અશક્ય બની ગયું છે.

(10:37 PM IST)