<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

૫ મહિનાના ઈરાન યુદ્ધમાં અમેરિકાનો મિસાઈલ ભંડાર ખાલી થવાના આરે: લાંબા અંતરની સચોટ મિસાઈલોનો સ્ટોક લગભગ ખતમ : વ્હાઈટ હાઉસમાં ચિંતા

ATACMS અને પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલો નો જથ્થો તળિયે પહોંચ્યો : ટોમાહોક અને પેટ્રિઅટ ઇન્ટરસેપ્ટરની પણ ભારે અછત, રશિયા અને ચીન સામે સંરક્ષણ ક્ષમતા પ્રભાવિત થવાની ભીતિ

વોશિંગ્ટન :   ઈરાન સામે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા તીવ્ર સૈન્ય સંઘર્ષે અમેરિકી આર્મીના અત્યાધુનિક મિસાઈલ સ્ટોક પર ગંભીર અસર પહોંચાડી છે. રોઈટર્સના એક સનસનાટીભર્યા અહેવાલ મુજબ, યુએસ મિલિટરીએ પોતાની લાંબા અંતરની અતિ-સચોટ સપાટીથી સપાટી પર પ્રહાર કરતી 'ATACMS' અને નવી પેઢીની 'PrSM' (પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલ) નો જથ્થો લગભગ સંપૂર્ણપણે વાપરી નાખ્યો છે. સુરક્ષિત અંતરેથી ઈરાની લક્ષ્યોને નાશ કરવા માટે અમેરિકાએ મોટી સંખ્યામાં આ અબજો ડોલરની કિંમતી મિસાઈલો છોડી હતી, જેના કારણે હવે ભવિષ્યમાં ચીન કે રશિયા જેવા શક્તિશાળી વિરોધીઓ સામે સૈન્ય સજ્જતા જાળવી રાખવા અંગે વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોનમાં ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે.

રિપોર્ટ અનુસાર, આક્રમક શસ્ત્રો ઉપરાંત રક્ષણાત્મક મિસાઈલ સિસ્ટમ્સનો સ્ટોક પણ ભયજનક સપાટીએ પહોંચ્યો છે. અમેરિકી નૌકાદળ દ્વારા જહાજો અને સબમરીનમાંથી છોડવામાં આવતી વિશ્વવિખ્યાત 'ટોમાહોક' ક્રુઝ મિસાઈલોનો વૈશ્વિક ભંડાર અડધાથી વધુ ખાલી થઈ ગયો છે. આ સિવાય 'CSIS' ના ડેટા દર્શાવે છે કે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં દુશ્મનની મિસાઈલોને આકાશમાં જ ઉડાવી દેતા યુએસ પેટ્રિઅટ  ઇન્ટરસેપ્ટરનો ૬૫% અને થાડ  સિસ્ટમનો ૩૮% સ્ટોક વપરાઈ ચૂક્યો છે. સૈન્ય સલાહકારોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચેતવણી આપી છે કે જો ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા ચાલુ રાખવા હશે તો મિસાઈલોના અભાવે જોખમી પાયલોટેડ ફાઈટર જેટ મિશન પર નિર્ભર રહેવું પડશે.

જોકે, વધતી ચિંતાઓ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે "અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ દારૂગોળો છે અને તે આપણી જરૂરિયાત કરતાં પણ ઘણો વધારે છે". વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ, દેશની રેથિયોન અને લોકહીડ માર્ટિન જેવી અગ્રણી ડાફેન્સ ઉત્પાદક કંપનીઓ રેકોર્ડ ઉત્પાદન કરી રહી છે અને મિસાઈલ સપ્લાય ફરીથી ભરી રહી છે. તેમ છતાં, વિશ્લેષકોનું માનવું છે કે ૧૦ લાખ ડોલરથી વધુ કિંમત ધરાવતી આવી હાઇ-ટેક મિસાઇલોનું ઉત્પાદન કરવામાં લાંબો સમય લાગે છે, જેના કારણે લંબાયેલા યુદ્ધની સ્થિતિમાં અમેરિકા માટે સૈન્ય સંતુલન જાળવવું અત્યંત પડકારજનક બની શકે છે.

(10:39 PM IST)