<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

વીમો નહીં તો ડીઝલ-પેટ્રોલ નહીં ! સુપ્રીમ કોર્ટનો પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવા ઐતિહાસિક પ્રસ્તાવ

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વિનાના વાહનોને પેટ્રોલ-ડીઝલ આપવા પર લાગી શકે છે રોક

 

નવી દિલ્હી: દેશના રસ્તાઓ પર દોડતા વાહનોમાં થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ (વીમો) ના હોવાની વધતી જતી ગંભીર સમસ્યાને ડામવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવા આદેશ આપ્યો છે, જેના હેઠળ દેશના પેટ્રોલ પંપો પર વેલિડ ઈન્સ્યોરન્સ ન ધરાવતા વાહનોને ઈંધણ (પેટ્રોલ કે ડીઝલ) આપવાનો ઇનકાર કરી શકાશે.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે આ મહત્વનો આદેશ આપતા જણાવ્યું હતું કે, ભારતમાં માર્ગ અકસ્માત પીડિતોને સમયસર અને યોગ્ય વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે આ કડક પગલું ભરણું જરૂરી બન્યું છે.

મુખ્ય મહત્વના મુદ્દાઓ:

  • ૫૬% વાહનો વીમા વિનાના: સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સના અહેવાલનો હવાલો આપતા સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી કે દેશમાં કુલ ૩૦.૪૮ કરોડ વાહનોમાંથી આશરે ૧૬.૫૪ કરોડ (લગભગ ૫૬%) વાહનો થર્ડ પાર્ટી વીમા વગર જ રસ્તા પર દોડી રહ્યા છે.
  • પેટ્રોલિયમ મંત્રાલયની સંમતિ: કોર્ટે નોંધ્યું કે પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ મંત્રાલયે આ પ્રસ્તાવ સામે સૈદ્ધાંતિક રીતે કોઈ વાંધો ઉઠાવ્યો નથી.
  • હાઈટેક ANPR કેમેરા અને VAHAN પોર્ટલનું લિંકિંગ: કોર્ટે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI) અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) ને સૂચના આપી છે કે તેઓ ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન) કેમેરાને વાહન પોર્ટલ અને ઇન્સ્યોરન્સ ઇન્ફર્મેશન બ્યુરો સાથે સાંકળે. આ સિસ્ટમથી વીમા વગરના વાહનોને આપોઆપ ઈ-ચલાન ઈશ્યુ થઈ શકશે.
  • નવા વાહનો માટે વીમાનો સમયગાળો વધારાયો:
    • નવી ફોર-વ્હીલર કાર: થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવર હવે ૩ વર્ષથી વધારીને ૪ વર્ષ ફરજિયાત કરાયું છે.
    • નવા ટુ-વ્હીલર (બાઇક/સ્કૂટર): થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવર ૫ વર્ષથી વધારીને ૬ વર્ષ માટે ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે.
  • ટ્રાફિક પોલીસને હેન્ડહેલ્ડ ડિવાઇસ: રાજ્ય પોલીસ અને ટ્રાફિક પોલીસને એવા હેન્ડહેલ્ડ ડિવાઇસ અથવા મોબાઇલ એપ પૂરી પાડવામાં આવશે જેથી તેઓ ઓન-ધ-સ્પોટ વાહનનો રિયલ-ટાઇમ વીમા સ્ટેટસ ચકાસીને ચલાન કાપી શકશે.

અકસ્માત પીડિતોની સુરક્ષા માટે મોટો નિર્ણય:

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મોટર વહીકલ એક્ટની કલમ ૧૪૬ હેઠળ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ફરજિયાત હોવા છતાં તેનું પાલન થતું નથી. અકસ્માતના કિસ્સામાં વીમો ન હોવાને કારણે પીડિતો અને તેમના પરિવારજનોએ વળતર મેળવવા માટે વર્ષો સુધી લાંબી કાનૂની લડાઈ લડવી પડે છે. 'નો ઈન્સ્યોરન્સ, નો ફ્યુઅલ' જેવી નીતિથી વાહન માલિકો પોતાના વાહનનો વીમો સતત રિન્યૂ કરાવવા પ્રેરિત થશે.

બધા જ સંબંધિત પક્ષકારોને આ દિશામાં જરૂરી કામગીરી કરીને આગામી સમયમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. *

 

(12:38 AM IST)